પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૮
ગુલાબસિંહ.

ને વળી ગયા ઉપરની હોડીઓ સામું જોઈ પોતાનો પ્રિયતમ આવતો હશે, એજ માર્ગે ગયો છે, એવા તરંગમાં ગુમ થતી, સાયંકાલને સમયે ગયા ઉપર હવા ખાવા હોડીઓમાં ફરતા અનેક રંગીલા પુરુષો આ ભવ્ય કાન્તિનાં અનેક નાના પ્રકારના ભાવથી દર્શન કરતા હતા.

ઘણીક હોડીઓ ગઈ, આવી, પણ એક હોડીમાંના પુરુષે રમાવાળો ભવ્ય પ્રાસાદ દીઠો કે તુરત હોડી થંભાવી, હંકારનારને કીનારે જવાની આજ્ઞા આપી. તે પુરુષ ઉત્તર્યો, પગથીઆં ચઢ્યો, મહેલમાં આવ્યો. અરે ! પ્રેમમૂર્તિ મા ! રો, હસ, તાસ ભાગ્યનું પાનું ફર્યું.

એક ચાકરે આવીને મા બેઠી હતી ત્યાં ખબર કહી કે લાલાજી નામના કોઇ ગૃહસ્થ આપને મળવા ઈચ્છે છે, આજ્ઞા હોય તો આવે. શામાટે મા લાલાજીને ન મળે ? ખુશીથી મળશે, પોતાના પરમ સુખની, ગુલાબસિંહની વાર્તા એક એવા મિત્ર આગળ કરીને પોતાના મનને બે ઘડી રમાડશે. કેવા હર્ષથી બાલકને સતાવી હર્ષ પામશે ! બીચારો લાલાજી ! આજની ઘડી પર્યંત એનું નામ માને સાંભળ્યું ન હતું, પોતાના બાળપણની નાની મહોટી ગાંડાઈ ઘેલાઈ, રમત, નાચ, રાસ, ગમત, સર્વ ભેગું એને પણ ભુલી ગઈ હતી.

લાલાજી અંદર આવ્યો, એને જોતાંજ માના મનમાં મહા ક્ષોભ લાગ્યો:— એનું વદન કેવું કરમાઈ ગયું છે ! ચિંતાથી અંગ કેવું ચઢી ગયું છે ! ચિત્રકારની કાન્તિ અને આનંદ પ્રમત્ત આકૃતિ ક્યાં છે ! પોશાખ પણ કેવો ઠેકાણા વગરનો પડેલો છે ! મનમાં ખેદ પામતી પણ વચનથી શાન્તિ પમાડવા ઈચ્છતી માએ કહ્યું “આવો, શું લાલાજી ! તમેજ ! કેવો ફેરફાર થઈ ગયો છે !”

“ ફેરફાર ! ” લાલાજીએ માની પાસે બેસતાં બેસતાં કરડાકીથી કહ્યું “એ ફેરફાર માટે કોનો આભાર મારે માનવાનો છે ? ભૂત પ્રેત અને તેમને સાધનારાનોજ !– જેમણે મારા જીવને ઝાલ્યો છે તેમ તારાને પણ મૂક્યો નથી. મા ! સાંભળ, થોડાંક અઠવાડીઆં ઉપર મેં સાંભળ્યું કે તું ગયાજીમાં આવેલી છે. અનેક પ્રકારનું ભય છતાં ગમે તેમ બહાનું કાઢી, જ્યાં છતા થવાથી માથુ જવાનો પ્રસંગ છે, તે ઠેકાણે હું આવ્યો છું. તે શા માટે ! માત્ર તને સાવધાન કરવા, તને, ઉગારવા. ફેરફાર ? તને મારામાં ફેરફાર જ જણાયો? બહારનો ફેરફાર, પણ અંદર જે મહા વિકટ ઉકાળો ચાલે છે તે તું જાણે છે ? તેના આગળ એનો કશો હિસાબ નથી, બાઈ ! હજુ વખત છે, સાવધ થા સાવધ જીવ ઉગારવો હોય તો જરા સંભાળીને ભાન ઠેકાણે આણ.”