પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૯
વિક્ષેપનો વિકાર.

લાલાજીનો ખોખરો અને જાડો અવાજ, જેમ કોઈ પ્રેતજ બોલતું હોય તેમ ભયંકર લાગ્યો, અને એની કહેવાની વાતથી લાગે તે કરતાં પણ વધારે ભય માના પેટમાં ભરાયું. સૂકાં અંગ, ઉંડી આંખો, ફીકું વદન ને ચિંતાગ્રસ્ત સ્તબ્ધ દૃષ્ટિ, એ બધું ને તેમાં આવો સ્વર, એ બધાથી માને તો, જે ભૂતની લાલાજી વાત કરતો હતો તે જ આવીને ઉભું હોય એવો થરથરાટ વછૂટી ગયો. પણ ધીરજ રાખીને બોલી “ અહો ! લાલાજી ! આ શું લવો છો ? આટલાં વર્ષ બહાર ફરી આવ્યા તેથી ભાન બાન ગયું કે શું ? આ તો—”

“ સાંભળ સાંભળ:” લાલાજીએ રમાનો હાથ ઝાલી પોતાના શરીરના અતિ શીતસ્પર્શથી રમાના થરથરાટમાં વૃદ્ધિ કરતાં, વચ્ચે જ કહ્યું “સાંભળ. તેં એવી વાતો તો સાંભળી હશે કે કેટલાક માણસો અમુક સાધનાઓ કરે છે ને ભાત ભાતની સિદ્ધિઓ કરી બતાવે છે. એવી વાતો કાંઈ ખોટી નથી. એવા માણસો હાલ પણ છે. એમનો ધંધોજ એ છે કે પોતાના ટોળાનો વધારો જેમ થાય તેમ કરતા જવો. એમના પંજામાં સપડાયલો મૃર્ખ જો નિષ્ફલ થાય તો તેના ભોગ ! પલિત તેને જ વળગે, ને આ જન્મારો ખરાબ કરે. હું પણ તેમંનો જ એક છું. પણ જો તે વિજયી થયો તો તો વળી સોવાર મૂઓ; એવું તેનું દુ:ખમય જીવિત અનંત કાલ સુધી બન્યું રહેવાનું. હું એવા સ્થાનમાંથી હાલ આવું છું કે જ્યાં લોહીની નીકો—નદીઓ—વહે છે: મહોટા મહોટાના માથા ઉપર મોત તો ભમ્યાં કરે છે; પણ ઓ મા ! જ્યાં (પોતાના હૃદય ઉપર હાથ મૂકી લાલે ચલાવ્યું) મોતની પણ પેલી પારના મહા રૌરવ કરતાં અધિક પીડાકારી ક્લેશનો નિવાસ છે તેના આગળ તે બધુ કંઈ નથી.”

આટલા ઉપોદ્‌ધાત પછી લાલાજીએ પોતાની બહેનને જે રીતે બધી હકીક્ત સંભળાતી હતી તે રીતે માને જરેજર કહી સંભળાવી, જોનારને ચક્ષુમાં અંગારા ઘોંચી ઘાલ્યા જેવી વ્યથા ઉપજાવનાર તથા રુધિરમાત્રને ટાઢું પાડી નાખી શરીરે શીત વર્ષાવનાર રક્તબીજનાં દર્શનની વાર્તા લગારે લગાર કહી બતાવી, માને ટાઢીબોળ કરી નાંખી, એક વાર એનાં દર્શન થવાં જોઈએ પછી પોતાની મેળે તેને આવેલોજ જાણો; લાખો અનાચર, દુરાચાર તે પ્રેરતોજ રહેશે. રુધિરના સ્ત્રાવમાં ઝીલો, મદિરામાં ડુબ્યા રહો, માંસાદિ મકારોપાસનમાં મોક્ષ માનો, તોજ તે તમને જંપવા દેશે, નહિ તો સર્વદા ક્લેશ, દુઃખ, પીડા, વ્યથા અને એ પોતે એ સર્વને વિદ્યમાન જાણવાં. એકાન્ત—વૈરાગ્ય— વિવેક—સમાધાન—એનો વિચાર પણ કરવો નહિ. મા તો આવી વાતો સાંભળીને સ્તબ્ધ જ થઈ ગઈ, નાડીઓમાં રુધિર ફરતું પણ બંધ પડી ગયું.