પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૩
અમૃતમાં ઝેર.

કાંટો રોપાયો. ગયાજીમાં મંત્ર શાસ્ત્રની સિદ્ધિ માટે સારી પ્રસિદ્ધિ પામેલો એક વૃદ્ધ બ્રાહ્મણ હતો તેને માએ તુરત તેડાવ્યો, અને પોતાની વર્તમાન સ્થિતિ તેને સમજાવી ધર્મનિષ્ઠ, ઉપાસક, શ્રદ્ધાલુ, છતાં પણ વિદ્યાના ઉત્તમ સંસ્કાર વિનાનો અને ભણેલો પણ ગણેલો નહિ તેથી અક્ષરમાત્રજ સમજનારો પેલો વૃદ્ધ જે પ્રત્યેક હાથચાલાકીના કામને પણ મહોટી મંત્રવિદ્યાના ચમત્કાર માનતો તે તો બહુ ગભરાટમાં પડી ગયો અને ગંભીર આકૃતિ કરી માની આશા માત્રનો સમૂલ ઉચ્છેદ કરવા લાગ્યો. માને વિવિધ પ્રકારે સમજાવતાં એણે લાલાજીના જેવોજ અભિપ્રાય દર્શાવ્યો કે તારે જવું. માએ જે કાંઈ થોડું સરખું આ વૃદ્ધને કહ્યું હતું તેટલુંજ તેને તો વામમાર્ગની સાક્ષાત્‌ સાબીતી જેવું લાગ્યું; અને ગામ ગપાટા ગુલાબસિંહ માટે સાંભળેલા તે આધારે તેને પાંચે પ્રકારનો ઉપાસક ધારી લેઈ, મા અને બાલકના જીવને પોતાને સ્વાધીન કરી લેવા તેનો આ બધો પ્રયોગ છે, એમ પોતે નિશ્ચય કર્યો. પરંતુ આવા મૂર્ખે જે વાતો ઓપી ઓપીને કરવા માંડી, પોતે સાંભળેલી દંત કથાઓ અને વાતોને મહોટા ઐતિહાસિક પુરાવારૂપે આપવા માંડી, તે થકી માનાં તો ગાત્રજ ગળી ગયાં. “એવા લોક તો બાલકોના જીવને જ વશ કરવા પ્રયાસ કરે છે” એમ કહી બધી વાતનુ વલન વાળતાં, તેવાં અનેક કલ્પિત દૃષ્ટાંતો પણ કહી બતાવ્યાં, અને માને તો ભયથી શૂન્ય જેવી કરી નાખી. નાશી જવું જ જોઈએ, નહિ તો, બાલકના પ્રતિ માતાનો જે પવિત્ર ધર્મ છે તેનો ભંગ થશે, અનંત નરક્યાતના તારા પોતાના આત્માને વેઠવી પડશે, એ આદિ સૂચનાઓ, ભલામણો શીખામણો, તેનો વર્ષાદ વર્ષાવી ડોસા શિવ ! શિવ ! શિવ ! કરતા “બેટા ! નારાયણ તને ને તારા દીકરાને કુશલ રાખો” એવો આશિર્વાદ આપી ચાલવા લાગ્યા. માને તો મૂર્છાજ આવી ગઈ.

દિવસ જેમ તેમ વીત્યો. રાત પડી. જ્યાં મૂર્છામાંજ મા પડી રહી હતી ત્યાંને ત્યાં જરાક ભાનમાં આવી, ને પાછી એ ને એ વિચારમાં ઉંઘવાને બદલે પથારી ઉપર આમ તેમ તરફડીઆં મારવા લાગી. રાત સમસમાટ કરતી ચાલી જતી હતી. આખા ઘરમાં કોઈ હતું નહિ, ભયંકર શાન્તિમાં ગયાના પ્રવાહના ખળખળાટથી અત્યારે તો વૃદ્ધિ થતી હતી. મા વધારે ગભરાટમાં પડી. અંધકાર પોતે જ જાણે બોલવા લાગ્યું. અનેક રૂપ ધારણ કરવા લાગ્યું, જાણે એવાં બધાં રૂ૫ એને એમ કહેતાં હોય કે “હે વિપ્રલબ્ધ મૂઢ બાલા ! તારાં કર્મમાત્ર અમે લખી રાખીએ છીએ; એમાંનું એક પણ તને મુવા પછી યોગ્ય બદલો અપાવ્યા વિના જવાનું નથી.” એવો ભાસ માને થવા લાગ્યો. આટલે સુધી