પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૪
ગુલાબસિંહ.

થયું ત્યારે માને કાંઈક ભાન આવ્યું કે મારી અક્કલ ખશી ગઈ છે; પણ આવું ભાન થયું તે સમયેજ એક વિચાર પ્રાધાન્ય પામી ગયો, અને પાછું તે ભાન જતું રહ્યું. ગુલાબસિંહે એક ઓરડો સર્વથી એકાન્ત રાખી બંધને બંધ સખી મૂકેલો છે, માને પોતાને પણ તેનો ઉમરો ઓળંગવાની રજા નથી, એ ઓરડામાં શું હશે ? જઈને તપાસવું જોઈએ, કદાપિ ત્યાંથીજ આ બધા તર્કોનો નિર્ણય મળી આવે ! એવો વિચાર માના મનમાં વધારે વધારે દૃઢ થતો ચાલ્યો. એ વિચારના બલેજ, પોતાની ઈચ્છા વિના પણ, એકાએક બેભાનમાં ને બેભાનમાં મા પ્રેમમૂર્તિ !-અંધકારમાં થઈને ચાલી; પેલા ઓરડાના બારણા આગળ આવી પહોંચી. માતા ! તારો બાલકજ તને આટલે સુધી આવે સમયે દોરી લાવ્યો છે ! બારણાને તાળુ નથી, સાંકળ નથી, હાથ અડકાડતાંજ ઉઘડી ગયું, ક્ષણિક જીવ ! અનંત યુગના દ્રષ્ટાની પાસે જે સ્થાને અનંત ગૂઢ સત્ત્વોની સભા ભરાતી ત્યાં હું અત્યારે રાત્રીમાત્ર સહાય થઈ ઉભો છે !

પ્રકરણ ૭ મું.

અમૃતનું ટીપુ.

મા આ મહાત્માના ગુહ્યાગારની વચ્ચો વચ ઉભી; ચોપાસા દૃષ્ટિ ફેરવવા લાગી; પણ જેવાં કુલડીઓ અને યંત્રો, જેવાં અરીઠાને હાડકાંની માલા આદિ, જેવાં યંત્ર પાત્ર પુસ્તકાદિ, કોઈ વામ તાંત્રિકના મંડલગૃહમાં હોય તેવી કશી સાબીતી ત્યાં હતી નહિ. સ્વચ્છ ચંદ્રપ્રકાશ ઓરડાની શ્વેત ભીંતો ઉપર ચોપાસ વિલસી રહ્યો હતો, કેટલીક વનસ્પતિનાં સૂકાં ડાળખાં, કેટલાંક કાંસાનાં પાત્ર, એક ખૂણે પડ્યાં હતાં, એ વિના કશું એ સ્થાનમાં હતું નહિ. કાંઈ પણ જાદુ–માએ ધારેલું તેવું કે અન્ય પ્રકારનું–કાંઈ પણ હોય તો તે માત્ર પ્રયોક્તામાંજ હતું, પાત્રમાં કે વનસ્પતિમાં નહિ; તેતો સાધારણ મનુષ્યના હાથમાં પણ સાદુ કાંસુ ને સૂકાં પાંદડાં જ હતાં. અહો મહાત્મા ! તારાં કાર્ય અને તારા ચમત્કાર સર્વદા એવાંજ હોય છે ! શબ્દસમૂહ છે તે પણ સર્વસાધારણ છે, સર્વ મનુષ્યને સામાન્ય રીતે સર્વદા સુલભ છે; છતાં એના એ શબ્દોમાંથી, રે અમર મૂર્તિના ઉપજાવનાર ! તું કેવા પ્રાસાદ ઉભા કરે છે ! પીરેમીડ નાશ પામે તો પણ કાલગતિ તેમને અસર કરી શકતી નથી, મહાપ્રલયકાલનો કાલાનલ પણ તેને પ્રજાળી શકતો નથી !