પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૬
ગુલાબસિંહ.

છાયા દીઠી, પોતાની પેઠે સ્થૂલથી છૂટી સ્વતંત્ર થયેલો પોતાનો પ્રિયતમ દીઠો; એ છાયાની પાસે જ ત્સ્યેન્દ્ર ગુરુની છાયા પણ ઉભેલી જણાઈ. પંચમહાભૂતોના તન્માત્રનું જે યુદ્ધ ચોપાસ ચાલી રહ્યું હતું, તેમાંથી જે વૃક્ષ, પર્વત, સરિત્‌, સમુદ્રાદિનાં સ્થૂલ થઈ થઈને કરતાં હતાં, અને સર્વ ઉપર સર્વમાં જે અમિતજીવન વ્યાપી રહી સર્વની સત્તા સિદ્ધ કરતું હતું, તેને જરા પણ વ્યગ્ર થયા વિના આ બે ગુરુ શિષ્ય જોયા કરતા હતા.

માએ વધારે વિલોકવા માંડ્યું તેમ જોયું કે આ સ્થાને પણ આ ગુરુ ચેલો નવરા નથી, મહા વિકરાલ રાક્ષસો, સર્પ, વ્યાઘ્ર, ઈત્યાદિ કરાલ મૂર્તિવાળાં મુખ અને પૂછડાંવાળી, અર્ધી મનુષ્ય અર્ધી પશુ, એવી વિલક્ષણ વિલક્ષણ, આકૃતિઓ તેમની આગળ પાછળ રમ્યાં કરતી હતી. માને લાગ્યું કે આ તો ખરેખરા કોઈ જાદુગરજ છે. આત્મબલથી ઉઘડેલાં ચક્ષુને માએ આ બે જણની દૃષ્ટિ જ્યાં હતી તે તરફ દોડાવ્યાં તો જે ઓરડામાંથી પોતે ઉપડી હતી તેજ ઓરડો પાછો દૃષ્ટિએ આવ્યો; ગયાનો પ્રવાહ, બુદ્ધદેવનું ચૈત્ય; એ બધું પુનઃ જણાવા લાગ્યું. એ ઓરડામાં માને પોતાની પણ મૂર્તિ જણાઈ ! ! મા પોતે જોનાર અને પોતાથી જુદી બીજી મા એવું જોઈને એને જે ત્રાસ થયો તે કદાપિ વિસારે પડે નહિ તેમ એના મનમાં જડાઈ ગયો. પણ પછી એમ જણાયું કે પોતે ઓરડામાંથી ઉઠી, ધીમે ધીમે પોતાના બાલકના પાલના આગળ ગઈ. પાલનાની પાસે એક અસ્પષ્ટ પણ મહા વિકરાલ ઢગલો હોય તેવી આકૃતિ એણે જોઈ. તેનાથી વિચાર કે વિસ્મય કે ભય પ્રેરાય તે પૂર્વે તો એ પાલનાવાળા ઓરડાની ભીંતો, નાટકનો પડદો ઉપડે તેની પેઠે, જતી રહી, અને મુસલમાનોનાં ટોળાં – તરવારોની — ઝપાઝપ — બંદીખાનું — રૂધિરસ્ત્રાવ — વધસ્થાન – પોતે બાલક — ગુલાબસિંહ — એવી અનેક અસ્પષ્ટ પરંપરા પણ એના આગળ થઈને ચાલી ગઈ. એકાએક પેલી ગુલાબસિંહની છાયાએ માની જે ઓરડા માંહેલી છાયા તે ઉપર દૃષ્ટિ કરી, અને તે માની તરફ ધસવા લાગી. માથી તે ખમાયું નહિ; તુરતજ મહોટી ચીસ પાડીને જાગી ઉઠી.

જાગતાં એને માલમ પડયું કે વાસ્તવિક રીતે ગુહ્યાગારમાંથી નીકળી હું પુત્રના પાલના પાસેજ આવેલી છું. બધું જેવું જોયું તેવું જ છે, અરે ! પેલી શ્યામ અસ્પષ્ટ આકૃતિ પણ આ પાસે છે !

“ઓ મારા પ્યારા પુત્ર ! મારા વ્હાલા પ્રાણ ! બીહીશ નહિ, તારી મા તને ઉગારશે.”