પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૮
ગુલાબસિંહ.


“મનુષ્યની પારની યોનિના આ તારા જ્ઞાનથી મને પૂર્વે નિર્વેદ કેમ ના ઉપજ્યો, તારા જીવનની ગૂઢતાથીજ મારા કૌતુકમાં અને પ્રેમમાં વૃદ્ધિ શાથી થતી ગઈ ! એટલાજ કારણથી કે તું ગમે તે દેવ હો કે દૈત્ય હો, મનુષ્ય હો કે પિશાચ હો, પણ તેથી જે લાભ હાનિ તે મારી એકલી જાતનેજ હતી, અથવા મારી જાતને પણ હાનિ ન હતી કેમકે મારો પ્રેમ મારી દૈવી પ્રકૃતિનો અંશ હતો, એટલે કે “હું તે તુંજ” એવી પ્રેમસમાધિ વિના અન્ય વાર્તાના અત્યંત અજ્ઞાનને લીધે અન્ય વિચાર કે વાત મારા લક્ષમાંજ આવી શકતાં નહિ, તો મને અસર ક્યાંથી કરે ? પણ હવે તો એ અભેદમાં વિક્ષેપ થયો છે – પ્રેમનું અન્ય સ્થાન પ્રકટ થયું છે. જો, જો, એની દૃષ્ટિ નિરંતર મારા ઉપરજ રહે છે. સોપાલંભ આંખે જાણે મને ઠપકો દે છે, તારૂં વશીકરણ એને પણ વળગી ચૂક્યું છે કે શું ? તારા જ્ઞાનનો એને પણ ભંગ કર્યું છે કે શું ? મારૂં કાળજું કાપી નાખ, એના ઉપરથી તારા હાથને ઉઠાવી લે.

“સાંભળ, પગથીઆં આગળ હોડીનાં હલેસાં ખખડવા લાગ્યાં ! મને લેઈ જવાની તૈયારી થઈ ! હું આ સ્થાનમાં ચોપાસ જોઉં છું, તો બધે તનેજ દેખું છું. સ્થાને સ્થાનેથી તુંજ બોલતો સંભળાઉ છું, ઉંચે તારામાંથી પણ તું નજરે આવે છે. પણે પેલી બારી ઉપર તેં મને, અધરામૃતરૂપ પ્રેમશ્રદ્ધાનું ઐક્ય જતે જતે અનુભવાવ્યું હતું. પણે બારણા આગળથી મારા સ્મિતમાં તારા મંદસ્મિતને મેળવી નેત્રદ્વારા પ્રેમનો અભેદમય વિશ્વાસ કહી સંભળાવ્યો હતો ! ગુલાબ ! પ્રાણનાથ ! હું નહિ જાઉં, રહીશ; તારાથી જુદી કેમ થઈ શકું ? નહિ, નહિ જાઉં; જે ઓરડામાં તારા મધુર સ્વરે મારી મહાયાતનાને શાન્ત પાડતાં “પ્રિયતમા ! મા ! તું માતા થઈ” એમ કહી આનંદ આપ્યો હતો ત્યાજ જઈશ ! માતા ! — માતા ! — માતા — હા, હું માતા થઈ છું; હું આ ઉઠી ઉભી થઈ, માતાને યોગ્ય ધીરજ રાખી આ ચાલી.”

જેને માટે ગુલાબસિંહે સાર્વભૌમ સામ્રાજ્યના વિશુદ્ધ આનંદનો ઘણે ભોગે ત્યાગ કર્યો હતો તેજ અત્યારે આ રીતે, અજ્ઞાનબુદ્ધિથી ઉપજતા વહેમને આધીન થઇને, અથવા કલ્પિત કર્તવ્યબુદ્ધિથી પ્રેરાઈને, ગુલાબસિંહને, મનુષ્યરૂપે આવતા કોઈ પિશાચરૂપ સમજી તજી ગઈ ! આ પ્રમાણેનો પરિત્યાગ, પ્રથમથી લેશ પણ જણાયલો કે અટકળાયલો નહિ એવો પરિત્યાગ, એ તો જે લોકો આત્માને સ્થૂલ સૃષ્ટિની પાર રાખી, હૃદયના સ્થૂલમાં રમવા દે છે, તેમના પ્રારબ્ધમાં સર્વદાજ લખેલો છે. અજ્ઞાન અને જ્ઞાનનો પરસ્પર વિરોધ નિત્ય