પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૨૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૦
ગુલાબસિંહ.


ચશ્માંથી માણસો બીજાને દેખે છે. ચશ્માં ફોડી નાખીને જોવાનું તો બહુ શ્રમ કરતાં પણ આવડે કે ન આવડે.”

“સમજ્યો, હવે બધું સમજ્યો; તે સમયે જે આપણે જોયું, ને જે મારા હાથમાંથી નીકળી ગયું, તે એનો જ સૂક્ષ્મ આત્મા હતો. અહો ! માતૃભાવ શો પ્રબલ છે ! આપણા ગૂઢ રહસ્યને પણ જાણી લે છે. બ્રહ્માંડને વિંધી પાર પાડે છે ! ત્સ્યેન્દ્ર ! પ્રેમપૂર્ણ એવા અતિ અજ્ઞાનમય હૃદયમાં શાં શાં સામર્થ્ય સમાય છે !”

“હૃદય !” યોગીન્દ્રે શાન્તમુખે ઉત્તર આપ્યું “પાંચ હજાર વર્ષથી હું વિશ્વમાત્રને ચુથું છું પણ મૂર્ખમાં મૂર્ખ ગામડીઆના પણ હૃદયની બધી કૂંચી હું હજી સમજી શક્યો નથી.”

“ત્યારે આપણી ક્રિયાથી આપણે અત્યારે જે જાણ્યું તે ખોટું નથી ? બંદીખાનામાં, અને વધસ્થાનમાં, ચાંડાલોની સમીપે પણ, એ ઉભયને ઉગારવાનું સામર્થ્ય મારા હાથમાં રહેશે જ !”

“પણ તેથી તને, તું જાણતો નથી, તેવી મહા હાનિ થશે.”

“મનેજ કે નહિ ! પ્રેમને ન સમજનાર મૂઢ જ્ઞાની ! પ્રેમમાં “હું” કે “મને” હોતું નથી. આ ચાલ્યો. એકલોજ ચાલ્યો, તારી મારે અપેક્ષા નથી. હવે મારે માનુષ પ્રેમની પ્રેરણા વિના અન્ય ભોમીઆની અપેક્ષા નથી. ગમે ત્યાં હશે ત્યાંથી હવણાં એને મળીશ. મારું યોગબલ જાય, અનંત ઉડુગણ ઉપરની મારી શક્તિ ક્ષીણ થાય, આકાશમાત્ર અન્ય પ્રકૃતોને છે તેમ મને એક ભુરા ઘુમટ જેવુંજ થઇ રહે, તથાપિ હું પ્રેમ અને પ્રેમને જ શરણ છું. યૌવન, પ્રેમ, આશા, સૌંદર્ય, એનોજ ઉપાસી છું; પ્રેમ કદાપિ પણ પરાજય પામ્યો નથી, પોતાનાંને ઉગારીજ શક્યો છે.”

તરંગ છઠ્ઠો સમાપ્ત.