પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૩
પ્રકૃતિનો અપરાજય,


“મધુરી ગોપિકા ! એ વાતનો મેં કોઈ વાર સંશય આણ્યો છે ?”

“તને મારા પ્રેમ ઉપર સંશય નથીજ — પણ તું દગો દેતાં ચૂકતો નથી. તું મને એમ કહે છે કે આ ઠેકાણે રહેવામાં હવે સુખ નથી, હાલ આપણે કહીંક નાશી જવું જોઈએ, તે મારે કબુલ છે, પણ તું કહે છે કે આપણી સાથે એક બીજી સ્ત્રી પણ આવશે. એ શું ? મારાથી તો એવું સહન નહિ થાય.”

એટલું બોલીને પેલી ગોપિકા શાન્ત થઈ ગઈ અને જે પલંગ ઉપર પડી હતી તેમાંજ મોઢા ઉપર ગોદડું ઓઢીને પડી. કોઈક અંદર આવ્યું તેના ઉપર પણ એણે લક્ષ આપ્યું નહિ.

બંદાએ અંદર આવતાંજ લાલાજીને કહ્યું “ભાઈ રામરામ કહેવા જેટલોએ વખત નથી. અત્યારે છીએ ને પળમાં ન હોઈએ. હવાનું ઠેકાણું નથી. શું થશે તે કહેવાતું નથી.”

“આપણાં જ કર્યાં આપણે ભોગવવાં, વાઢે તે વહે.”

“છતાં અજાયબીની વાત એ છે કે કાફુર પોતે પણ પોતાનું માથું સલામત ગણતો નથી; એજ માણસ ઘણામાં ઘણો ખરાબ છે; એજ દિલ્હીનો દુશ્મન છે."

લાલાજીએ કાંઈ ઉત્તર આપ્યું નહિ.

લાલાજી ! હું ઘણી વાર વિચાર કરૂંછું કે કયા ભાગ્યશાલી રજપુતની રેખામાં આ યશ લખ્યો હશે ! એ વિચારમાંજ હું અહીં આવ્યો છું.”

“અહીં આવવાથી શું લાભ છે ? તારે પોતેજ કાજીને ઘેર જવું હતું.”

“તે બને એવું નથી; મને બધા ઓળખે છે, મારા ઉપર સર્વને અવિશ્વાસ છે. તમે અજાણ્યા છો, કદાપિ કોઈ તમને ઓળખે તો પણ તમારો સર્વને વિશ્વાસ છે—”

“બસ, બસ, બંદા બંધ કર, હું શું ખૂન કરનાર નીચ દુષ્ટ માણસ છું ? પેલા રાજમહેલના શિખરેથી રણતૂર વાગવા દે, ને પછી જો કે લાલાજી રજપૂતોમાં મોખરે ચઢે છે કે પાછળ પડે છે; પણ આવી નીચ વાત મારા આગળ કરીશ નહિ.”