પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૯
નીચની નીચતા.

"ત્યારે તો તું જબરી છે; એક બીજી વાત પણ સાંભળ. તારો પ્રિયતમ આ નવી પ્રિયા સાથે નાશી જવાનો છે, તને અહીં મૂકી જવાની છે. આ વાત જો હું સાબીત કરી આપુ, અને તને વેર વાળવાનું સાધન કરી આપું, તો તું મારી સાથે આવશે ? હું તને પૂર્ણ પ્રેમથી ચહાઉ છું— હું તને પરણીશ.”

ગોપિકાની આંખમાંથી અગ્નિ ઝરવા લાગ્યો. અવર્ણ્ય તિરસ્કારથી તે બંદા સામું જોઈ રહી, કાંઈજ બોલી નહિ.

બંદો સમજયો કે વાત હદ પાર થઈ ગઈ; એટલે એણે કલ ફેરવી. માણસ જાતના નીચ સ્વભાવનું જે જ્ઞાન, એને, નીચવૃત્તિનાં કર્મમાં નિમગ્ન રહેવાથી પ્રાપ્ત થયું હતું તેને આધારે. એણે એમ નક્કી કર્યું કે આટલે સુધી આ સ્ત્રીનો પ્રેમાવેગ વધારી દીધા પછી, હવે તે આવેગની ઇર્ષ્યાના જોરથી જે જે થવાનું તે થવા દેવું.

" મને માફ કરજે, મારા પ્રેમના વેગમાં હુ ભાન ભૂલી ગયો. છતાં ખાતરીથી માનજે કે એ મારા પ્રેમને લીધેજ, હું જેને મારા ભાઈ જેવો ગણું છું તેને તારા આગળ ફસાવું છું. તેં એનાથી વાત ગુપ્ત રાખવાની પ્રતિજ્ઞા કરી છે તે ઉપર મને વિશ્વાસ છે.”

“મારી પ્રતિજ્ઞા ઉપર, મને જે અન્યાય મળ્યો છે તે ઉપર અને મારા પહાડી લોહી ઉપર, વિશ્વાસ રાખ.”

“બસ, ચાલ મારી સાથે.”

ગોપિકા જરૂરનાં વસ્ત્ર પહેરવા ગઈ તે સમયે બંદાની દષ્ટિ વળી પેલા સુવર્ણરાશિ ઉપર પડી. એણે આશા રાખેલી તે કરતાં પણ એ રાશિ અધિક હતો, એણે ઢાંકણું જરાક વધારે ઉંચું કર્યું તો સામે એક તાકામાં કેટલાક કાગળોનો જુડો એની નજરે પડ્યો. તે એણે લેઈ લીધો ને જરાક નજર ફેરવી એમાંથી એક બે કાગળ વાંચી લીધા. વાંચતાંજ એની આંખો ચમકવા લાગી. “આટલાથીજ તારા જેવા પચાસ લાલા જલ્લાદોને હાથ આપી શકશે” એમ કહેતાં એ જુડાને પોતાના ખીસામાં ઘાલ્યો.

રે ચિત્રકાર ! રે ભ્રષ્ટ ! રે ભ્રમિત પ્રતિભા! તારા ખરાબમાં ખરાબ બેજ શત્રુ છે:-કેવલ નિરીશ્વરમય એવી નાસ્તિકભાવના ! અને આત્માના પવિત્ર પ્રકાશથી નહિ પણ ઇન્દ્રિયો બહેકી જવાથી ઉગ્ર રીતે પ્રદીપ્ત થયેલી ખોટી પ્રેમભાવના !