પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૪
ગુલાબસિંહ.

તેમને પાછા હટાવી દઉં છું. ખરેખર વીરભદ્રે જે ભવિષ્ય ભાખ્યું હતું તેનો અમલ કરવાને જ તેણે જાણે પેલા વિકરાલ રક્તબીજને આ નગર ઉપર અધિકાર આપ્યો છે. ઉચ્ચાભિલાષી છતાં ભયનિમગ્ન રહેનારા આત્માઓ જેના ભોગ થાય છે તે રક્તબીજને જ સયોગતારૂપ ચંડીની આગળ રક્તને ટીપે ટીપે અનેકગુણ થતો હોય તેમ હું ચારે પાસા દેખું છું. હાહુલીરાય, કાફુર, 'બંદો, શાબુદ્દીન પોતે, બધાંના હૃદયમાં હું આ રક્તબીજની આંખોને દેખું છું, એની સેના એ સર્વનું રુધિર પીએ છે. શાહબુદ્દીન એમ ઈચ્છે છે કે આખી પૃથ્વી ઉપર દીન દીન થઇ જાય, બધા એક થાય. ભવ્ય ઈચ્છા ! પણ તે ક્યારે થવાની ? પોતાના શત્રુ માત્ર મરી જાય ત્યારે–એજ ભય–એજ શંકા ! માટેજ રક્તબીજ તેની છાતી ઉપર વિદ્યમાન છે.

રે મા ! તારી નિર્દોષતાજ તને સૂચવે છે. પ્રેમમાં રહેલી મૃદુતામય માનુષ વાસનાને લીધે ઉન્નત આત્મજ્ઞાનથી જે વિમુખ રહી છે, તેને એ પવિત્ર પ્રેમનું બલજ એક કવચરૂપ નહિ થાય !

* **** *


પ્રકરણ ૪ થું.

પશ્ચાતાપના અંકુર.

નવીન પાદશાહતના આધારરૂપ અમીર ઉમરાવો મહોટી મહોટી મસલતોમાં પડ્યા છે. આખરે યચંદને પણ ભાન આવ્યું છે, ને રજપૂતોની વીરશ્રી જાગ્રત્ થઈ આવી છે, પણ પૃથુરાય જેવા રણધીરના પરાજયથી સર્વત્ર નિસ્તેજતા છવાઈ ગઈ છે, કોઈની હીંમત ચાલતી નથી. શાહબુદ્દીન અને તેના સરદારો તો ચોપાસ ત્રાસ જુલમ અને જુલમ વર્તાવી રહ્યા છે, ગંમત, મોજમજાહ, અવિશૃંખલ ઉન્મત્તતા, સર્વ પાસા પ્રવર્તી રહ્યાં છે, રુધિરની નીકો વહેવા લાગી છે. મનુષ્યમાત્રના જીવ પડીકે બંધાયા છે. બંદાએ મનુષ્યમાત્રના સમાનભાવનો અને ભાતૃભાવનો દિવસ નજીક ધાર્યો હતો તેનો ઉદય ખરેખર થઈ ચૂક્યો જણાય છે ! તરવાર અને કોરાનથી ઇશ્વરની આજ્ઞાનો અમલ કરવાનું પુણ્ય પ્રસરવા લાગ્યું છે ! યોગિનીપુર યોગિનીઓનેજ સ્વાધીન થયું છે !

શહેરના મધ્ય ભાગમાં આવેલા એક ગરીબ ઝુંપડાના ઓરડામાં પેલી માતા બેઠી બેઠી પોતાના બાલક ઉપર દૃષ્ટિ માંડીને તેનાં ગેલને નિરખવામાં આનંદ લેતી વિલસે છે, શાન્ત, આનંદકારક, શીતર્તુનો મધ્યાન્હ થઈ રહ્યો છે;