પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૫
પશ્ચાતાપના અંકુર.

સાંકડા ફળીઆના ઉંચા પ્રાસાદોને લીધે પ્રતિબિંબ પામતો સૂર્યપ્રકાશ એક ઉંચી બારીમાં થઈને ઓરડામાં આવી રહ્યો છે— અહા ! એ પ્રકાશ સર્વત્ર સમાન છે;— દુ:ખીને કે સુખીને, રુધિરસ્ત્રાવને કે આનંદવિલાસને, બંદીખાનને કે ભવ્યપ્રસાદને, જીવનમાં પ્રથમાવિર્ભાવ પામતા બાલકને તેમ જીવનને તજી જતા નિર્ભાગીને—સર્વને સમાન એવો એ પ્રકાશ જેમ ભયનિર્મૂક્ત છે તેમ નિર્દોષ માતા પોતાના બાલક ઉપરના વાત્સલ્ય નિમગ્ન થઈ અત્યંત ભયમુક્ત બેઠી છે ચાંદરણામાં થઈને આવતા કિરણોને પકડવા માટે બાલક પોતાના હાથ ઉંચા કરી ફરી હસે છે, મૂઠીઓ વાળી બાચકા ભરે છે, ને એમ હસતું, નાચતું, માના ચરણ આગળ સુતુ સુતુ રમે છે. માએ પોતાની દૃષ્ટિ આ આનંદસ્થાન ઉપરથીજ જરા દૂર ખેંચી લીધી—દૂર ખેંચતાંજ નિઃશ્વાસ મૂકી ઉદાસ થઈ ગઈ–પદ્મનયમાંથી એક અશ્રુબિંદુ ખર્યું.

આની આજ દિલ્હીમાં યમુનાના તટ ઉપરની નાની ઝૂંપડીમાં વીણાના મધુર ગાનથી વિલસતી સંગિતના આલાપમાં આત્માને એકતાર કરી, વિવિધ કલ્પના–ચિત્રમાં આલ્હાદ પામતી મા અત્યારે ક્યાં બેઠી છે ! કેવી સ્થિતિમાં છે ? શું એ 'મા એની એ હોય ! કેવી મ્લાન, કેવી દુર્બલ ! ભાન વિનાજ હાથ પગ ગમે તેમ છુટા નાખી પડી હોય તેમ એ બેઠી છે, એના અધર ઉપર જે સ્મિત સર્વદા રમતું હતું તે અસ્ત પામી ગયું છે, જાણે જીવનનું જીવન જતું રહ્યું હોય એવી પ્રકટ નિરાશા એના તારુણ્યતરુને મ્લાનતા પમાડી રહી છે:— ખરી રીતે કહીએ તો, પોતાને પોષણ આપનાર મૂલને તજી અન્યત્ર ભમતા પ્રવાહનું જલ જેમ ક્ષીણ થઈ જાય તેમ માની જીવનશક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. અહો ! કેવા નિર્દોષ, વિશ્વસ્ત, વસ્ત્રબ્ધ, ઉલ્લાસથી જીવનનો આરંભ ! ને કેવા વિકટ, વિષમય વિષાદમાં તેનો અંત ! વચમાં ત્રાસ, ભય, શંકા, ક્લેશ ! માણસે શંકા અને ભયથી કેટલાં કેટલાં અમરસુખને વણસાડી નાખે છે ! ભય અથવા શંકા અને વહેમની સ્થિતિમાં જે આકસ્મિક ત્રાસ અને વેગ ઉપજી આવે છે તેનાથી મા, અજ્ઞાનમાં જ, સ્વપ્નમાં હોય તેમ, પોતાના પ્રાણનાથથી નાશી છૂટી હતી; સાક્ષાત્ મહાત્માને પણ, પોતાના ઉપર આશક થયેલો બ્રહ્મરાક્ષસ ધારી ખરા બ્રહ્મરાક્ષસરૂપ લાલાનાથી ઠગાઇ હતી. અત્યારે તો એ ત્રાસને એ વેગ દિલ્હીમાં પગ મૂકતાંજ જતાં રહ્યાં હતાં. એને લાગ્યું હતું કે જે સ્મિતને હું પિશાચવત્ સમજી તજીને આવી છું તેમાંજ મારું જીવિત છે, તેજ મારો પ્રાણ છે. એને પશ્ચાત્તાપ થતો ન હતો. જે વેગથી પોતે આટલે સુધી નાશી