પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૯
પશ્ચાત્તાપના અંકુર.

આવ્યું અને મને એમ લાગ્યું કે એણે મારો અપરાધ ક્ષમા કરી મને “પ્રિયપત્ની” કહી બોલાવી એ સ્વપ્નથી આ ઓરડો પવિત્રતામય, નિર્ભય, થઈ ગયો છે, મારા મનમાંથી શંકાનો ગંધ નીકળી ગયો છે, મારા મરતા પહેલાં પણ મને એનું દર્શન પુનઃ થશે.”

“એની વાત દાટી મૂકી એ પિશાચને યાદ ન કર ” લાલાજીએ ક્રોધથી અને આવેશથી ભૂમિ ઉપર લાત મારીને કહ્યું “તને એના હાથમાંથી ઉગારી છે તે ઈશ્વરનોજ ઉપકાર માન.”

“બસ” માએ ગંભીરતાથી કહ્યું, જેવી વધારે કહેવા જતી હતી તેવીજ તેની દૃષ્ટિ પોતાના બાલક ઉપર પડી. તે સમયે સૂર્યકિરણો તેની આસપાસ રમી રહ્યા હતા, અને તેના વદનની આસપાસ કોઈ અપૂર્વ માહાત્મ્યની છાયાની પેઠે તેનું તેજ તે વધારી રહ્યા હતા. એની વિશાલ, સ્થિર, શાન્ત, દૃષ્ટિમાંજ એવું કાંઈક હતું કે જેનાથી મા ભયભિત થવા છતાં, પોતાના માતૃભાવને સાર્થ થયો માની લે. લાલો બોલતો હતો તેના ઉપર એ દૃષ્ટિ તિરસ્કારપૂર્ણ જણાતી હતી અને માએ તો તે દૃષ્ટિનો અર્થ, પોતાના અવિદ્યમાન પ્રિયતમનો પોતે કરી શકે તે કરતાં પણ વધારે સબલ બચાવ રૂપે જ કરી લીધો.

લાલાએ પછી વાત ચલાવી. “ત્યારે તો તું અહીં જ રહીશ;—શા માટે વારૂ? માતારૂપે તારો જે ધર્મ છે તે ચૂકવા માટે ? તને કાંઈ થશે તો તારા બાલકનું શું થશે? માબાપ વિના જ એને ઉછેરવામાં આવશે ? જે સ્થાનમાંથી તારો આર્યધર્મ પણ ભ્રષ્ટ થઈ ચૂક્યો છે, જ્યાં દયા અને માનુષભાવનો છાંટો પણ રહ્યો નથી, તો તેવે સ્થાને એ એમ ઉછરશે પણ ખરો કે? ઓહો ! રો-રો ને એની છાતીએ ચાંપ ને પાછી રો ! આંસુ કાંઈ રક્ષણ કે બચાવ કરી શકતાં નથી.”

“મારા મિત્ર ! તારી વાત ખરી છે—ચાલ હું તારી સાથે આવીશ.”

“કાલે રાતે તૈયાર થઈ રહેજે. તારે જરૂરનો વેશ હું લાવીશ.”

પછી લા'લાજીએ માને, જે રસ્તે જવા ધારેલું તે તથા જે નામ ઠામ આપવાનાં તે બધી વાત ટુંકામાં સમજાવી. મા સાંભળ્યાં ગઈ, પણ ભાગ્યેજ કાંઈ સમજી; લાલાજીએ એનો હાથ લેઈ છાતી સરસો ચાંપી અને રામ રામ, કહી રજા લીધી.