પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
ગુલાબસિંહ.

સાંભળીને આખું મકાન ભરાઈ ગયું હતું એ તો તમે જાણો છો. પરદેશીઓ તરફ મારા હંમેશના વિવેકી સ્વભાવ પ્રમાણે મેં એને મારી જગાએ બેસાડ્યો, ને હું એની પાસે ઉભો રહ્યો. જતી વેળે એણે મને જમવા આવવાનો આગ્રહ કર્યો, તેથી આપણે પણ જઈ પડ્યા. શો સામાન ! શા નોકર ચાકર ! અમે તો ઘણી રાત જતા સુધી બેઠા. મેં એને દીલ્હી શેહેરની બધી ખબરો કહી, ને અમે બહુ સારા મિત્ર થઈ ગયા. એણે મને આ હીરાની વીંટી ઘણા આગ્રહ સાથે ભેટ કરી ને કહ્યું કે એમાં કંઈ નથી એની કીમત તો ઝવેરી લોક ફક્ત પાંચ હજાર રૂપિયાજ કરે છે. આ દશ વર્ષમાં આપણે તો એવી રાત કાઢી નથી.”

એક ગંભીર ચહેરાવાળો માણસ જેણે આ વાત સાંભળતાં બે ચાર વાર તો રામ, શિવ, કૃષ્ણ, સર્વને સંભારી લીધા હતા તે બોલી ઉઠ્યો : “ભાઈ હમીર ! એ માણસ વિષે જે વાતો ચાલે છે તે તો તેં સાંભળી હશે. ત્યારે એની પાસેથી આવી હજાર કામણ ટુમણની ભરેલી એક વીંટી ન લીધી હોત તો શું થાત ? લોકો કહે છે કે એ તો મોહોટો જાદુગર છે ને સાધનાવાળો છે; એણે તો જક્ષણી સાધેલી છે, જક્ષણી ! સંભાળજે, પાંચ હજારની વીંટી નાખી દીધી તે અમથી નહિ હોય ?”

“બસ બસ ” હમીરે બેદરકારીથી જવાબ દીધો “તમારા વહેમ તમારી પાસે રાખો. એ વાતોના દિવસ તો ગયા. આજ તો સર્વે નાસ્તિક અને બુદ્ધિથી ખરૂં લાગે તેટલું માનવાવાળા થઈ ગયા છે. એવી એવી ગપોનો સરવાળો કરે ત્યારે તેમાંથી સાર શો નીકળનાર છે ? ગમે તે રીતે એવી વાતો પેદા થાય છે, ને તમારા જેવા તેને ચલવે છે. એકાદ એંશી નેવું વરસનો ગત વગરનો ડોસો કહે કે મેં એ ગુલાબસિંહને સિત્તર વર્ષ પર જ્જયિનીમાં જોયો હતો ને ત્યારે પણ આવો ને આવો હતો એટલે થઇ રહ્યું ! શું આપણે બધા દેખતા નથી ભાઈ ! કે આ ગુલાબસિંહ તો મારા કે તમારા જેવડો જુવાન બાલકજ છે ?”

“પણ ભાઈ સાહેબ !” પેલો ગંભીર વૃદ્ધ માણસ બોલ્યો “એજ ખુબી છે તો. ભાઈરામ કાકા કહે છે કે જ્જયિનીમાં દીઠો ત્યારે હતો તે કરતાં એક દિવસનો પણ ફરક આજ જણાતો નથી. જ્જયિનીમાં વળી એ બીજાજ નામથી ઓળખાતો હતો, ને ત્યાં પણ એનો આનો આજ ભભકો, ને એના વિશે આની આજ ગપ ચાલી રહી હતી. વધારે નવાઈની