પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૪
ગુલાબસિંહ.

શાહને દિલ્હી હાથમાં આવી, ને પૃથુરાજ કેદ પડ્યો જ્યારે જ્યારે પણ આ દેશ અંદર અંદર કુસંપમાં પડ્યો છે, ત્યારે ત્યારે સર્વદા પરચક્રને આધીન થયો છે ? હા ! ભારત ! તારી એ દીનતા મટશે ?

ગોરી બાદશાહે વીણી વીણીને મહોટા મહોટા રજપૂતોને રાજદ્રોહી ઠરાવી ઠાર મારવા માંડયા હતા. એજ સમયમાં રજપૂતાઈ હીન થઈ ગઈ. તેનું સત્વ સુકાઈ ગયું, તેનું પરાક્રમ ક્ષીણ થઈ ગયું. મરતી મરતી પણ જે કાંઈ રહી તેણે અકબરના વખતમાં પોતાનું સત્વ બતાવી, ઔરંગજેબના સર્વભક્ષી લોભ અને દ્વેષમાં પોતાના સર્વસ્વનો હોમ આપી, આર્યાવર્તને હંમેશને માટે નિ:સત્વ, નિર્વીર્ય, પરદેશીઓના પગ આગળ વારા ફરતી અથડાતો મુક્યો? જે જે રજપૂતો આર્યધર્મની મહત્તા બતાવે. પ્રાચીન રાજ્યની હિમાયત કરે, તે બધાનાં નામ ગુપ્ત રીતે ગોરી બાદશાહની પાસે આવતાં હતાં, અને તેમને લાગ જોઈને કાફુર કાજીના આગળ રાજદ્રોહના ગુનાહ માટે ઉભા કરવામાં આવતા હતા; જેનું કોઈ હોય નહિ તે ગરદન મરાતા હતા, બાકીના કેદમાં સડતા હતા, પરંતુ હજી ભયભીત યવનનું મન નિર્ભય થયું ન હતું, પૃથુરાજનું શું કરવું તેની તેને સુજ પડતી ન હતી,

કાફુરકાજી હમણા જ પાદશાહની પાસેથી આવીને પોતાના ઘરમાં એકાન્ત ઓરડામાં પલંગ ઉપર પડ્યો છે. એનું મુખ કરમાઈ ગયું છે. હૃદય ધડકી રહ્યું છે. અને મગજમાં વિલક્ષણ વિચારો ચાલી રહ્યા છે. 'યા અલ્લાહ ! મારે હાથે આવા ગેરઇનસાફ ક્યાં સુધી કરાવશે ? મારું મોત થાય તો પણ સારી વાત છે:—પણ કાફર લોકને તો મારવા જ જોઈએ, આ રાજ્ય જો નહિ જામે, તો દીન કેમ પ્રવર્તશે ? સર્વત્ર એકતા કેમ જામશે ? બાદશાહ સલામત સાચું કહે છે કે કાફરોને મારી નાખ્યા વિના દીનની ચઢતી થવાની નથીજ.” આવા તર્ક કરે છે એટલામાં એક જાસુસે આવી ખબર આપી “ મહેરબાન ! આપને કોઈ મળવા ઈચ્છે છે.”

“આવવા દે, પણ જોજે પાસે કોઈ હથીઆર ના હોય.”

“એ તો કોઇ બિરાધર છે, તો પણ જોઇશ.”

કાજી સાહેબ ઉઠીને બેઠા થયા, પાસે હુકો ૫ડ્યો હતો તેની નળી મોઢામાં લઈ, ગંભીર આકૃતિથી આવનારની રાહ જોતા બેઠા, બંદો આવી સલામ કરીને ઉભો.

“કેમ ! શી ખબર છે ?”