પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૮
ગુલાબસિંહ.

મહોટું ગીચ જંગલ છે તે જંગલમાં લાલો પહોંચ્યો એટલે એવા ભયપ્રસંગે પણ પોતાના સ્વાભાવિક પ્રેમથી વિશ્વલીલાને વિલોકી ખુશી થવા લાગ્યો; થાક્યો પાક્યો આ સ્થાને નદીનો ઠંડો પવન લેતો લાલાજી ઉભો રહ્યો. ને વિસામો ખાવા લાગ્યો; અને મનમાં હાશ કરીને કહેવા લાગ્યો કે અહીં તો હવે પેલો બાતમીદાર આવનારો નથી. પરંતુ આવો વિચાર કરી નગર ભણી જુવે છે તો તેનો તેજ બાતમીદાર એનાથી પચીસ કદમ છેટે ઉભેલો હતો. દેખતાંજ એનું લોહી ઉડી ગયું, છૂટવાનો આરો રહ્યો નહિ, આગળ નદી અને પાછળ શહેર તેની વચમાં લાલાજી ભરાઈ પડ્યો. જરાક આગળ ચાલતાં પોતે અચક્યો કે પોતાની અને પેલા માણસની વચમાંના એક ઘરમાંથી ઘણા લોકોનું ખડખડાટ હસવું કાને આવવા લાગ્યું; એ ઘરમાં પણ ભાગોળ ઉપરનું મ્લેચ્છોનું થાણું રહે છે, એમ સમજી વધારે ગભરાટમાં પડ્યો. પેલો બાતમીદાર તે ઘર સુધી આવ્યો અને તુરત બહારથીજ એક ઉચી બારીમાં નજર ઘાલી, થોડોક અંદર વળીને કોઈની સાથે વાત કરવા લાગ્યો.

આ સમયે પોતાથી થોડેક આગળ એક ઘરના બારણામાં પેલા જે પરદેશીએ સાથે આવવાનું કહ્યું હતું તેને લાલાજીએ દીઠો. મહોટા ઝભ્ભાને લીધે એ માણસ ઓળખાતો ન હતો, પણ હાથથી તેણે આવવાનો ઇશારો કર્યો તે લાલાજીએ દીઠો, લાલાને અંદર લેતાંજ બારણું બંધ કરી તે પુરુષ આગળ ચાલ્યો અને લાલો બોલ્યા ચાલ્યા વિના ઉંચે શ્વાસે તેની પૂઠે પૂઠે ચાલવા મંડ્યો. જતે જતે એક નાની એારડીમાં આવ્યા ત્યારે પેલાં પુરુષે ઝભ્ભો દૂર મૂક્યો એટલે લાલાજીએ ગુલાબસિંહને પોતાની સમક્ષ ઉભેલો દીઠો.

પ્રકરણ ૮ મું.
રક્તબીજનો સંહાર.

“જવાન જયપુરવાસી ! આ ઠેકાણે કશી ભીતિ રાખીશ નહિ” એમ ગુલાબસિંહે લાલાજીને એક ખૂણામાં પડેલી ગાદી ઉપર બેસવાનું આંગળીના ઈશારાથી બતાવતાં ખાતરીપૂર્વક કહ્યું, અને ઉમેર્યું કે “આવી અણીને વખતે પણ હું તારા ભેગો થઈ ગયો તે મહોટું ભાગ્ય માનજે.”