પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૯
રક્તબીજનો સંહાર.


“આપણે એક એકનું મોઢું જ કોઈ દહાડે પણ દીઠું ન હોત તો વધારે ભાગ્યની વાત હતી. છતાં જે અપશુકનીઆળ પુરુષની જાતથી જ મારાં દુઃખમાત્ર ઉદ્ભવ્યાં માનું છું તેનું વદન મારા અંતસમયે એક વાર ફરી જોવાથી મને સંતોષ થાય છે. આ ઠેકાણે તો હવે તું દ્વીઅર્થી શબ્દોથી અને તારી જ્ઞાનરહસ્યની ગપોથી મને છેતરીશ નહિજ એમ આશા રાખું છું. આપણે છૂટા પડીએ તે પહેલાં જ તારે તારી પોતાની નહિ તો મારી ઝીંદગીની આંટી તો ઉકેલી આપવી જ જોઈએ.”

“તારે બહુ કષ્ટ અને પીડા વેઠવાં પડ્યાં ! રે દુર્બલ સાધક ! તારા મોઢા ઉપરથી જ તેનું અનુમાન થઈ આવે છે પણ એમાં મારો વાંક શા માટે કાઢે છે? તારા આત્માની ઉત્કંઠા તને ક્યાંની ક્યાં લઇ જશે એ વાતની મેં તને પ્રથમથી જ ચેતવણી આપી ન હતી ? તારે આ માર્ગમાં પડવું નહિ એમ મેં પ્રથમથી કહ્યું ન હતું ? સાધનક્રમ ઘણો વિકટ, ભયંકર, અને અતીવ કષ્ટસાધ્ય છે એમ તને મેં સમજાવ્યું ન હતું ? અરે તને અટકાવવાના ઉદ્દેશથી, જે હૃદયના સમર્થ પ્રેમવાહમાં તે હૃદય પાસે હતું ત્યાં સુધી. મારો અખંડ આત્મા વિલીન થઈ પરમ પ્રમોદ પામતો હતો તે હૃદય પણ તારે સ્વાધીન કરવાનું મેં કહ્યું ન હતું ? છતાં દીક્ષા લેવા માટે તેં તારી સ્વતંત્ર ઇચ્છાથી જ નિશ્ચય કર્યો ન હતો? તારી સ્વતંત્ર ઈચ્છાથી જ તેં મત્સ્યેન્દ્રને તારો ગુરુ કર્યો અને એની વિદ્યાના અભ્યાસમાં લક્ષ પરોવ્યું !”

“પરંતુ એ વિશૃંખલ અને અપવિત્ર જ્ઞાનની વાંછના મારા મનમાં ક્યાંથી પેદા થઈ? તારી નજર મને લાગી ત્યાં સુધી તે વાતો મારા લક્ષમાં પણ ન હતી, તારા જાદુથી જ હું તેની અસરોમાં ઘસડાઈ ગયો.”

“તું ભૂલે છે—વાંછનાઓ, વાસનાઓ, સંસ્કારરૂપે તારામાં હતીજ; અને આ માર્ગ કે અન્ય માર્ગે પણ અવશ્ય તેમણે બલાત્કારે પણ પોતાનો માર્ગ કર્યોજ હોત. અરે મર્ત્યપ્રાણી ! તું તારા અને મારા જીવિતની આંટી ઉકેલવાનું મારી પાસે માગે છે ! સન્માત્રનો જે પ્રકાશ છે, અસ્તિત્વધારી વસ્તુમાત્ર છે, અસ્તિ એવો જેના જેના વિષે પ્રત્યક્ષ થાય છે, તે સર્વ ઉપર દૃષ્ટિ કરી જો. બધે આંટીજ આંટી ભરેલી નથી ? પૃથ્વીની અંદર પડેલાં બીજ વૃક્ષરૂપે ઉદ્ભવે છે તેનો સમગ્ર વ્યાપાર તારી આંખ નિરૂપી શકે છે? એજ રીતે નીતિમય વિશ્વમાં તેમ જડવિશ્વમાં એવી એવી શકિતએ નિગૂઢરૂપે દટાઈ રહેલી છે કે જેના હીસાબે મારું સામર્થ્ય એક તૃણમાત્રજ છે.”