પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૦
ગુલાબસિંહ.

 “ત્યારે તું તે શક્તિઓ તારામાં છે એમ માનતો નથી ? તું એક મિથ્યાચારી ધૂતારો, ઢોંગી છે એમ કબુલ કરે છે કે તું હવે છેવટ એમ પણ કહેવા તૈયાર છે કે હું તો પેલા રક્તબીજનો દાસાનુદાસ છું ?—જાદુગર, તાંત્રિક, સાધક છું, ને જે પિશાચ મારે વશ છે તેજ મેં તને વળગાડ્યું છે ?”

ગુલાબસિહે દયા અને ગંભીરતાથી ઉત્તર આપ્યું “હું કોણ છું તેની તારે કશી જરૂર નથી; તને જે પિશાચ વળગ્યું છે તે કાઢીને તને સાધારણ જનવ્યવહારના સુખમાં હું પાછો પોંચાડી શકીશ કે નહિ એટલું જ જાણવું તારા કામનું છે. છતાં મારા બચાવ માટે નહિ પણ તારી શંકાઓથી આત્મા અને આત્મબલની ઉપર જે કલંક આવે છે તેનું યોગ્ય નિવારણ કરવા હું તને કાંઈક સમજાવા ખુશી છું.”

થોડી વાર થોભી કાંઈક વિચાર કરીને ગુલાબસિંહ કહેવા લાગ્યો કે “પુરાનોમાં અને કથાઓમાં તેં અનેક મહાત્માઓનાં નામ સાંભળ્યાં હશે. કંસે કારાગૃહમાં પૂરી અનેક પ્રકારે સંભાળથી સાચવીને રાખી મૂકેલાં બહેન અને બનેવી જેના સામું જોવા પણ અસમર્થ હતાં તેવા આગળા ને તેવી ભોગળો અચેત અબળાને પેટે જન્મેલા નાના બાલકના ચરણના સ્પર્શથી તૂટી ગયાં, રક્ષકો નિદ્રાવશ થઈ ગયા, અને સુદેવજીએ તેને હાથમાં લેઈ મુનામાં પ્રવેશ કરવા માંડતાં મુનાજલે માર્ગ આપ્યો. એ બાલકની શક્તિ ક્યાંથી આવી હતી ? મહાભારતના યુદ્ધમાં અનેક ચમત્કારોથી જેણે પાંડવોના પ્રાણનું રક્ષણ કર્યું, એ પુરૂષના સામર્થ્યનું નિદાન શું હતું ? ગોપીઓ સાથે વિહાર કરવા છતાં ગોવર્ધનને ટચલી આંગળી ઉપર ઉઠાવવાની શક્તિ, કે કૃષ્ણ તો બાલબ્રહ્મચારી છે એમ કહેવરાવી યમુના પાસે ગોપીઓને માર્ગ અપાવવાની શક્તિ એક પંદર વર્ષના તરુણમાં ક્યાંથી આવી હતી? અથવા એને રહેવા દેઈ જેના સ્પર્શથી એક શિલામાત્ર પણ સ્ત્રીરૂપ થઈ અમરત્વ પામી ગઈ, જેના નામથી મહોટા પર્વતો જલમાં તર્યા, તે મહાત્માનું બલ ક્યાંથી આવ્યું હતું? તેજ વિચાર. અરે ! અનેક ઋષિમુનિઓ અરણ્યમાં પડ્યા રહી સ્વેચ્છાએ રાજભોગ કરતાં અધિક સુખ વિસ્તારી શકતા એ બલનો ભંડાર કીયા સ્થાનમાં રાખેલો છે? શું એમને સર્વને ભૂત, પ્રેત, રાક્ષસ, પિશાચ, –રક્તબીજની સહાય હતી ? એવી આસુરી પ્રકૃતિનાજ તે ઉપાસક હતા ? જે એકાગ્ર અભેદભય આત્મબલમાંથી એ સામર્થ્ય ઉદ્દભવે છે, જે એકાકારતામાંથી ઈચ્છા માત્ર સિદ્ધવત્ કાર્યરૂપ થવાનો સ્વભાવ ઘડાય છે, એક શુદ્ર લતા પર્ણ કે