પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૧
રક્તબીજનો સંહાર.

સમુદ્રકીટથી માંડીને તે મહાપર્વત કે આકાશના તારક સુધીમાં જે શક્તિ અને અનેકાનેક ચમત્કારો અને સાધનો જોઈ પ્રયોજી શકે છે, તે આત્મબળ એજ એ સર્વેનું રહસ્ય છે.

“જગતના પૂર્વયુગોમાં એવાં મનુષ્ય થતાં હતાં કે જેમનામાં જ્ઞાનની ઈચ્છા અતિ તીવ્રતમ રહેતી; તે ઈચ્છાના વેગને પર્યાપ્ત થવાના આધુનિક સમયે છે તેવાં ઐહિક વ્યવહારરૂપ સાધનો વિદ્યમાન ન હતાં, છતાં સાધનસંપન્ન થવામાં ખામી આવતી નહિ. પિતાથી પુત્રને, ગુરુથી શિષ્યને, એમ સંપ્રદાયપરંપરાએ કરીને જે રહસ્યજ્ઞાન તે સમયમાં નિરંતર જીવતું રહી સતત પ્રવાહરૂપે ચાલતું તેને કલુષિત કરવાને રાજખટપટ, જ્ઞાતિબંધન, કે પ્રાપંચિક વ્યવહારનો ક્રમ તે સમયમાં હતો નહિ. આમ હતું માટે જ તે સમયના ઇતિહાસમાં આપણે કોઈ વાર પણ પારમાર્થિક તત્ત્વદર્શનને ઘેર ઘેર ભમતું જોતા નથી. તેનો વાસ કેવલ અરણ્યોમાં અને ગિરિગુહાઓમાંજ રહેતો. જીવ, જગત્, જડ, ઈશ્વર, ચેતન, આદિનાં સ્વરૂપ અને સામર્થ્યનો વિચાર એજ તેનો વિષય રહેતો, વિશ્વના એક એક પદાર્થનું તત્ત્વ જાણવું, આકાશના ગોલમાત્રનો ચમત્કાર સમજવો, એ તેવા જ્ઞાનમાં મંડેલા મહાત્માઓનો નિત્ય ક્રમ હતો. એમાંથી જ જેને તમે જાદુ, મત્ર, તંત્ર, વામાચાર કહો છો તે ઉદ્ભવ્યાં છે. એ સમયમાં એવા મહાત્માઓ થઈ ગયા છે કે જેમણે બ્રહ્મથી અંબર પર્યંત એકાકાર અભેદ અનુભવ્યો છે; તુચ્છમાં તુછ તૃણમાં પણ ઉન્નતમાં ઉન્નત બ્રહ્મ ભેદ પર્યંત લેઈ જવાનું સામર્થ્ય દીઠું છે અને યુગો ગયા, અનેક મહાત્માઓ ખપી ગયા, પણ આ પ્રકારે ચાલતો અનુભવ સંપ્રદાયપરંપરાથી ધીમે ધીમે વિપુલ અને પરિપૂર્ણ થતો ગયો; એમ કરતાં કેટલાકના હૃદયમાં પરમજ્ઞાનનો ઉદય થયો;–પણ જેના સ્વપ્નમાં પણ અયોગ્ય વિચાર આવી શકે, આસુરી ભાવનાનો સ્પર્શ થઈ શકે, તેમનાથી તો તે વિદૂર ને વિદૂરજ રહ્યો છે. જેમ હાલ તેમ ત્યારે પણ શુદ્ધમાં શુદ્ધ દૈવી સંપત્તિવાળાંને જ તે જ્ઞાન મળી શકતું હતું. એવા જ્ઞાનસ્થ મહાત્માઓ કોઈ ક્ષુદ્ર રાક્ષસને સહાય થવા નીચે ઉતરે તે કરતાં નિરંતર ઉપરિ ઉપરિજ જઈ સર્વ આનંદના આધારમાં એકતા પામવા યત્ન કરતા હતા; ગ્રહ નક્ષત્રાદિના તેજથી વિમુખ થઈ જેમ તે આગળ દૃષ્ટિ વધારતા તેમ તેમને પરબ્રહ્મના અભેદમય પ્રકાશનો અવર્ણ્ય આલ્હાદ અનુભવાતો. આત્મદૃષ્ટિથી જડ અને ચેતનના પ્રકાર માત્રનું દર્શન થઈ શકે છે, આત્માની પાંખને કાલ કે દિક્ એવું કાંઈ છે જ નહિ; શરીરને પડ્યું મૂકી તેમાંથી વિમુક્ત થયેલ જીવ યથેચ્છ ભ્રમણ કરી પાછો આવી શકે છે;—એવાં એવાં રહસ્ય તેમને હાથ આવ્યાં