પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૪
ગુલાબસિંહ.

વિટંબનાથી કે કાલમાત્રના ગમનથી જ જે અનુભવ આવે છે અને હૃદયના રાગમાંથી સ્થૂલતાનો ભાવ ઉરાડી દેઈ વ્યવહારમાં કદાપિ દૃષ્ટિએ પડે કે હાથે સ્પર્શાય નહિ તેવા કોઈ કલ્પિત જેવા અપૂર્વ આનંદમાત્રરૂપેજ હૃદયને અવશેષ કરી દે છે, તે અનુભવ વિનાની જવાની પૂરા જોરમાં હતી તે સમયે અંત્ય રહસ્ય પ્રાપ્ત કરવાથી, હું જે જે વસ્તુ ઉપર દૃષ્ટિ નાખું છું તેને મારા યૌવનનો જ રંગ લાગી રહે છે. જીવવું એજ મને અનંત ભોગ ભોગવ્યા સરખું છે. વિશ્વ ઉપર જે સુરસતા મને વિસ્તરેલી જણાતી તે હજી પણ કરમાઈ નથી, એક તુચ્છમાં તુચ્છ છોડ કે વેલો એવો નથી કે જેમાં મને કાંઈક નવો ચમત્કાર જડતો નથી. જેમ મને મારા યૌવનથી થયું છે તેમ ત્સ્યેન્દ્રને એના, વૃદ્ધપણાથી થયું છે. એને તું પૂછે તો એ તને કહેશે કે જીવનનો ઉપયોગ જ્ઞાનપ્રાપ્તિ એજ છે; જ્યાં સુધી આ વિશ્વના અનુભવમાત્રને પરિપકવ જ્ઞાન થયું નથી ત્યાં સુધી અન્ય જીવનની અપેક્ષા જ નથી. જે અમર છે તેના બે તત્ત્વ,– ઉપભોગમય વિશુદ્ધ વાસના અને જ્ઞાનમય તત્ત્વ–તેજ અમારા બેના પિંડમાં વિદ્યમાન જાણ. જ્યાં સુધી ગમે તેવી શુદ્ધ પણ વાસનાનું પ્રબલ છે– ધર્મ કર્મથી માંડીને તે આખા વિશ્વનું હિત સાધવા સુધીની પણ ‘અહં’ ના રંગથી રંગાયેલી વાસનાનું પ્રબલ છે—ત્યાં સુધી અંતનું રહસ્ય હાથ્ આવેલું પણ જાય છે. તત્ત્વનું પ્રબલ થતાં કેવલ નિર્વાસન થઈ જવાય અને વિશ્વના સ્વાભાવિક વ્યાપારથી ડ્રષ્ટાનો સ્વભાવ અભિન્ન થઇ થાય એ અધિષ્ટાનના અનુભવમાં સ્થિત થયાના અભેદસાક્ષાત્કારમાં તે રહસ્ય અનુભવાય છે. તને તે રહસ્ય કેમ ન મળ્યું એવી તારી જિજ્ઞાસાની પરિતૃપ્તિને અર્થે સાંભળી લે કે મનુષ્યના વ્યવહાર અને ઉદ્દેશમાં જે જે કાંઇ નિરંતર આવ્યાં જાય છે તે સર્વથી ભાવના સુપરિશુદ્ધ અને વિભિન્ન થઈ જવી જોઈએ; રાગ, દ્વેષ, લોભ, મોહ, પ્રેમ, સ્નેહ, આદિ કે ધર્મ, કર્મ, જપ, તપ, આદિ વાસનામાત્ર નિર્મૂલ થવી જોઈએ; લોભી, પ્રેમી, દ્વેષી, તેમ ધર્મઘેલા, વ્હેમી, છેવટ સુધી દુરાગ્રહી, તેને એ રહસ્ય મળતું નથી-- न शान्तिमाप्नोति स कामकामी. આટલું તને કહેવામાં મેં તને મારી સ્થિતિનું પણ કાંઈક ભાન કરાવ્યું છે. એટલે હવે ગૃહસંસર્ગના અતિ પ્રાકૃતમાં પ્રાકૃત વાસનામય વિક્ષેયમાં ફસાઈ અંધ બનેલો હું તને પૂછું છું, અસહાય અને જ્ઞાનહીન થઈ પૂછું છું. કે પરાહત અને નિષ્ફલ થયેલો તું હવે મારો ભોમીયો થા;—મને કહે કે એ બધાં ક્યાં છે ? અરે ! બોલ, ઉતાવળ કર, મારી પ્રિયા—મારો પુત્ર, ક્યાં છે? હજી પણ તું બોલતો નથી ! હજી પણ તારી ખાતરી નથી થઈ કે હું જાદુગર, ભૂત પ્રેત સાધનારો નથી. મનુષ્યરૂપે વિચરતો