પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૬
ગુલાબસિંહ.

થાય ત્યાં સુધી તે તને છોડનાર નથી. પણ આટલું કહે કે જ્યારે તું કોઈ શાન્તિમાં પડી ઉન્નત વિચારમાં કે આત્મધ્યાનમાં લાગતો હશે ત્યારે એ પિશાચ તુરત તારી સોડમાં જણાતું હશે અને તેને નિરાશા નિર્વેદ આદિ પ્રેરી તેની બીહામણી આંખોથી ડરાવી પાછું વિશૃંખલ મોજમઝામાં કે વ્યાવહારિક પ્રપંચમાં તાણી લાવી નિવૃત્ત થઈ જતું હશે. પણ તું કોઈ વાર એ પિશાચ અને એનાથી થતા ભયની સામે થયો છે ? તેં કોઈ વારે એમ નિશ્ચયપૂર્વક કહ્યું નથી કે ‘જે થનાર હોય તે થાઓ, હું તો સન્માર્ગનેજ, દેવીસંપત્તિનેજ વળગી રહીશ’ ?”

“અહો ! છેક હવણાંજ હું એમ કરવા લાગ્યો છું.”

“ત્યારે તને તેવે તેવે વખતે જણાયું નથી કે એ પિશાચ વધારે ઝાંખુ દેખાય છે અને એનું સામર્થ્ય ઓછું થાય છે?”

“ જણાયું છે. ”

“ત્યારે ખુશી થા, દીક્ષાના પ્રથમ ક્રમમાં જે ભય અને ગૂઢતા છે તેની પાર તું નીકળી ચૂક્યો છે. આ જન્મમાં નહિ તો અન્ય જન્મમાં પણ તારે હવે અધિકાર પ્રાપ્તિને અર્થે પ્રયત્ન કરવાની અપેક્ષા નથી. ખરેખર ખુશી થા, કેમકે હવે તને જે વળગાડ છે તે અવશ્ય જશે. પુનર્જન્મને ન માની રક્તબીજને હાથે રીબાયા કરનારમાં તું નથી. અહો ! મનુષ્યો ક્યારે શીખશે કે ધર્મમાત્ર શ્રદ્ધાની અપેક્ષા કરે છે, તે શ્રદ્ધાથી હવે પછીના જીવન માટે તત્પર થવાય છે. એટલું જ નથી પણ આ જીવને શ્રદ્ધા વિના ઉત્તમતા પ્રાપ્ત કરતું નથી. તર્ક અને બુદ્ધિના વિલાસોની ચમકતી જાલ કરતાં હૃદયના સાદા વિશ્વાસમાં કેટલું સુખ છે ! વ્યવહારમાં જડે છે તે કરતાં વધારે જ્ઞાનવાળું, વધારે દિવ્ય, વધારે આનંદમય. એવું કાંઈક માની, તેમાં શ્રદ્ધા કર્યા વિના ઉત્તમતાજ સિદ્ધ થતી નથી. એકલામાં અભિરત ઉસ્તાદો તેને ભાવના કહે છે, ધર્મગુરુઓ તેને શ્રદ્ધા કહે છે. अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति એમ કહીને શ્રીકૃષ્ણે यच्छ्रद्धः स एव सः એમ કહેવામાં “શ્રદ્દાહીનનો વિનાશ થાય છે, જેને જેવી શ્રદ્ધા તેવો તે થાય છે” એ ગૂઢ ભર્મ ઉચ્ચારતાં આનું આજ કહેલું છે. ભાવના ને શ્રદ્ધા એકજ છે. અરે ભ્રાન્ત ! પાછો જા, પરિચિત અને નિત્ય અનુભવેલા પ્રાચીન વ્યવહારમાં કેવી ખુબી છે તે અનુભવ; હે પિશાચ ! તું તારા સ્થાનમાં પાછું જા, અહો ! આકાશ, ગ્રહ, નક્ષત્ર, વિશ્વલીલા, તમે પૂર્વે આના ઉપર જેવી પ્રસન્ન દૃષ્ટિ રાખતાં તેવી રાખો, સ્મૃતિ અને આશાના દ્વૈતમય આનંદનું અદ્વૈત એને પુનઃ ચખાડો.”