પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
ગુલાબસિંહ.

ભોગવનારો છે તેની પાસેથી આણેલી છે અને તારી અનુકૂલતા માટે ફરીથી ભરી કરીને મઝાની નરમ બનાવી છે, ચાલો ત્યારે આપણે ઉપડીએ. જેમ જેમ ઉંચે ઉડતા જઈએ તેમ તેમ ધ્યાન રાખીને નીચે જોતો જજે અને ડરીશ મા. આ સૃષ્ટિ આપણી નજર આગળથી કેવી દૂર થતી જાય છે ! જય જય કુરુક્ષેત્ર ! ભીષ્મ અને દ્રોણના શયનસ્થાન ! અહો તારા ઉપર મહા પ્રતાપના ઝપાટા પણ થઈ ગયા ! એ કુરુપુત્રો અને પાંડુપુત્રો ૫ણ ચાલી ગયા ! એમનો સહાય કૃષ્ણ ! તેની પણ ઓ ઝળકી રહી થુરાપુરી ! યમુનાના પ્રવાહમાં નિરંતર સ્નાન કર્યાથી કંસાદિક દુષ્ટના સંસર્ગનાં પાપ ધોઈ પ્રવાહને શ્યામ કરતી, રૂપે ધવલતાથી રાજી રહેલી શું મહાત્મા કૃષ્ણનાં ગુણ કીર્તન કરતી શોભી રહી છે ! એ તો દૂર થવા લાગ્યાં; પણ ઉત્તર દિશાએ ઓ ઝળકી રહી ગાંડી ઘેલી વેહેતી ગંગાના પિતાની ધવલ શિખા ! પુણ્યરાશિજ હોય અથવા સર્વ મહાત્માઓનો તપઃપુંજ હોય એવો ધવલ મહાગિરિ પ્રતાપી સૂર્ય કિરણમાં પણ પુણ્ય પ્રતાપે સાધેલા શાન્ત બ્રહ્મતેજથીજ જાણે દીપી રહ્યો છે ! અહો વૃક્ષ લતા કુંજમાં દબાઈ રહેલો બરફમાં શ્વેત થઈ એકાકાર બનેલો, પાપીને પણ પુનિત કરે એવા શાન્ત સ્થલે આવેલો બદરિકાશ્રમ પણ આ રહ્યો ! પણ આપણો સાથી ગુલાબ ક્યાં ગયો !

આ મહા અરણ્યમાં એક શાન્ત ગુહા છે, ત્યાં એક ઘણો વિલક્ષણ મહાત્મા નિવાસ કરી રહે છે. જે વખતે બરફ પડવા માંડે છે અથવા ઓગળીને પ્રવાહ રૂપે વેહેતાં હજારોનું નુકસાન કરે છે તે વખતે પણ એ પુરુષજ ત્યાંજ પડ્યો રહે છે. એને કોઈ મિત્ર નથી, કોઈ સહાય નથી, કેવલ થોડાં પુસ્તક અને જુદાં જુદાં ઔષધાદિકના પ્રયોગની સામગ્રી લેઈને બેઠો છે. એ ઘણીવાર બરફથી ઢંકાયલી ટેકરીઓ ઉપર ફરતો કે પાસેનાં કોઈ શેહેરમાં ફરતો માલુમ પડે છે; અને તેવે વખતે પણ કોઈ સાધારણ અભ્યાસી જેમ વિચારમાંજ ગરક થઈ જઈને બેદરકારીથી ચાલ્યો જાય તેમ નહિ પણ સર્વ વાત બારીક નજરે ધ્યાનમાં રાખી પાસે થઈ જનારનાં પણ અંતઃકરણનું મર્મ લઈ લેતો હોય એવું જણાય છે. તે વૃદ્ધ છે ખરો, પણ વર્ષના ભારથી તે નમી ગયો નથી. પચીશ વર્ષનો જુવાન હોય તેવો ટટાર અને ભવ્ય દેખાય છે. એની સ્થિતિ વિષે કોઈને ખબર પડતી નથી કે એ ગરીબ છે કે પૈસાદાર છે. એ કોઈની પાસેથી દાન લેતો નથી, તેમ કોઈને દાન દેતો પણ નથી. પોતે કાંઈ પાપ કરતો નથી, તેમ પુણ્યનો કોઈ માર્ગ