પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૩
છેલ્લી ઘડી.


કાફૂરે ઉઠીને એક મહોટું ભાષણ કર્યું જેમાં આજથી ગોરી બાદશાહ કુલ હિંદુસ્તાનના બાદશાહ છે, તથા બીજા રાજા રજવાડા વગેરે તેમના દોસ્ત અને ઉમરાવ છે. એ વગેરે વાતના ઈશારા સાથે હિંદુરાજ્યમાં ચાલતા કુસંપ, ધર્મભેદ, જાતિભેદ, વગેરે ઉપર ભાર દેઈ, હવે પછી બધે એક સરખો એકાકાર ભાઈચારો પ્રવર્તી સુખશાન્તિમાં વધારો થશે એવી વાત જણાવી. આ ભાષણ પૂર્ણ થતાંજ મુસલમાન દરબારીઓએ તેને વાહ, વાહના પોકારથી વધાવી લીધું અને સર્વે એક પછી એક ઉઠીને બાદશાહના તખ્ત આગળ કુરનસ બજાવી નજરાણો કરી અદબસર પાછા વાળી પોતપોતાને સ્થાને બેસવા લાગ્યા. એમ કરતાં બધા મુસલમાનો એક પછી એક પરવાર્યા, અને રજપૂતો એકલા જ બાકી રહ્યા, પણ તેમનામાંથી કોઈ ઉઠતું જણાતું ન હતું. બાદશાહ ચોપાસા આંખ ફેરવી જોયાં કરતો હતો. યચંદ સામુ જુએ, પોતાના અમલદાર સામું જુએ : પણ કાંઈ સમજી શકતો ન હતો કે શું કરવું. યચંદે પોતાના પાંચસો રજપૂત ઉપર નજર કરી. એજ વખતે તે ટોળાને મોખરે બેઠેલા પેલો કાગળ લાવનાર અજાણ્યા પરદેશીની દૃષ્ટિ એની દૃષ્ટિ ભેગી મળી, અને તેમાંથી કોઈ એવો ઉગ્ર વીરભાવ એની આંખમાં પ્રવેશ પામી એના હૃદયમાં વ્યાપતો એને લાગ્યો કે તેથી, પોતે હવે શું કરે છે તેનું પણ એને ભાન રહ્યું નહિ. યચંદે સડપ કરતે કે તરવાર મ્યાનમાંથી ખેંચી, તેની સાથે પાંચસો તરવારો આખા દરબારમાં ઝળકવા લાગી, અને બાદશાહ સ્તબ્ધ થઈ ચકિત બની ગયો કે આ શું થાય છે, વર્ણન કરતાં જેટલી વાર લાગે છે તે કરતાં પણ થોડી ક્ષણમાંજ એ બધું બની ગયું ને આગળ યચંદ અને પાછળ પાંચસો રજપૂતો સાથે બધા બાદશાહના તખ્ત ભણી ધશ્યા. બધા દરબારમાં ગભરાટ અને ગરબડાટ વ્યાપી ગયો, મુસલમાનો પણ હથીઆરબંધ હતા એટલે તરવારો તાણી સામા થયા, ને ઝપાઝપી ચાલી તે દરમીઆન બાદશાહ કાફુરની સાથે બહાર નીકળી ગયો. પૃથુરાય, સંયોગતા, ચંદ એમનાં નામ ચોપાસ ગાજી રહ્યાં, દીનના પોકાર તેમાં ડુબી ગયા, કંઈ રજપૂતો ને કંઈ મુસલમાનોના જીવ ગયા; મુસલમાન લશ્કરની ટુકડીઓ આવવા લાગી, રજપૂતોના ટોળે ટોળાં આવવા લાગ્યાં, ને ગામમાં પણ તોફાન થશે એવો સર્વત્ર ત્રાસ વ્યાપી ગયો. પણ સાયંકાલે બધું શાન્ત થઈ ગયું, યચંદે પોતાના મુકામ ઉપર જઈ સર્વની સાન્ત્વના કરી, હવે આપણે તૈયાર ને તૈયાર રહેવું એવી સમજુત કરી, સવારે શું થાય છે તેની આશામાં રાત્રી ગાળી.