પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૬
ગુલાબસિંહ.

અમર આત્માને મર્તવ્યવહારનો અતિપરિચય થવાથી જે દિવ્ય સત્ત્વો સ્વર્ગ અને મૃત્યુ લોક વચ્ચે તેનો સંબધ કાયમ રાખે છે તે અદૃશ્ય થઈ ગયાં હતાં, પણ તેમની જ સાહાય્ય યાચવાને અર્થે આ યોગી અત્યારે નિરાશા અને ઉત્સુક્તાના વેગમાં આવી, એકાન્તમાં, શાન્ત ચિત્ત કરી ધ્યાનસ્થ થઈ બેઠો હતો. હૃદયને અત્યારે જે આધાત લાગ્યો હતો, જે વેદનાની તીવ્રતા અભિભવ પમાડી રહી હતી, ને તેથી જે ઉગ્ર પ્રદીપ્ત થતાં દૃઢ સંકલ્પ બંધાયો હતો, તેની એકતાનતામાંજ કોઈ એવી શક્તિ રહેલી હતી કે જેનો આજ પર્યંત ગુલાબસિંહે અનુભવ કર્યો નહિ હોય. અતિશય શોક કે દુઃખ કે વિપત્તિના તીવ્રતમ પ્રહારથી. નિર્બળતા અને સંશયરૂપી જે ગ્રંથીઓ આપણને તત્ક્ષણ મહાકષ્ટમાં બાંધી રાખે છે, તે એકે એકે તૂટી જાય છે, એવો અનુભવ સર્વને થયો હોવો જોઈએ. ઘણી વાર ઘોર મેઘાડંબરના અંધકારમાંથી જ આપણને સ્પષ્ટ માર્ગ બતાવનારી વિદ્યુતનો પ્રકાશ પ્રત્યક્ષ જણાય છે.

ધ્યાનસ્થ મહાત્માની પ્રાર્થના તુરતજ સાંભળવામાં આવી:—જ્ઞાનચક્ષુ ઉપરથી અજ્ઞાનનો પડદો ખશી ગયો. એણે જોયું, તો જે જ્યોતિર્મય શાન્ત આકૃતિ તે જોવા ઈચ્છતો હતો તેને સ્થાને અપવિત્ર, અશુભમય, એવા ભયંકર ક્તબીજને વિકરાલ આંખોમાંથી પણ દ્વેષ અને ઈર્ષાનો વર્ષાદ વર્ષાવિતો દીઠો. એ પિશાચ હવે કાંઈ ડરતો ન હતો, ધીમે ધીમે અસ્પષ્ટરૂપે પ્રકટ થતો ન હતો, પણ સ્પષ્ટ વિકરાલ રૂપે પ્રત્યક્ષ થઈ, ચોપાસા, ભય, દ્વેષ, તિરસ્કાર, અને જય પ્રાપ્ત થવાથી નીચસ્વભાવને જે ક્ષુદ્ર અહંવૃત્તિ વ્યાપી રહે છે તેને વિસ્તારી રહ્યો હતો. એની વિદ્યમાનતાથી બધી હવા જાણે બળવા લાગી. આખો ઓરડો અંધકારમય થઈ ગયો, આકાશના તારા પણ દૃષ્ટિએ આવતા બંધ પડ્યા.

એ પિશાચે કહ્યું “જો હું ફરી અત્ર આવ્યો છું-તારા કરતાં ક્ષુદ્ર એવો એક મારો ભોગ તેં મારા મોંમાંથી પડાવી લીધો છે; પણ હવે તું પોતેજ કેવો છૂટી જાય છે તે જોઉં છું. તારા ઉન્નત જીવનને છેડે તું એક મરણપ્રાય જીવડાના હૃદયમાં જ નિવાસ કરવામાં સુખ માની બેઠો છે, પણ તે હૃદય દ્વારાજ હું મારા અનિવાર્ય બલને તારા ઉપર અજમાવનાર છું જે ઉમરો ઓલંધીને તું નીકળી ગયો હતો ત્યાંને ત્યાંજ તું પાછો આવેલો છે, અનન્ત પ્રદેશના સીમાન્તે ફરી આવીને પણ તું ત્યાંને ત્યાં આવ્યો છે. અહો મરણનો પરાજય કરનાર ! આજે હવે હું તારો પરાજય કરું છું.”