પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૭
મહાત્માનું માહત્મ્ય

“ અરે ગુલામ ચૂપ રહે. તારે સ્થાને પાછો જા; વગર બોલાવ્યે તું આવ્યો છે તો ફરીથી પણ માત્ર તું તાબે થવાને આવ્યો છે, તાબે કરવાને નહિ. મારા પોતાના જીવન કરતાં પ્રિયતર એવા જીવનને તારા ઈશારામાત્રમાંથી મેં ઉગારી લીધું છે; પણ તને હું અત્યારે તો, મંત્રથી તંત્રથી કશાથી નહિ, પણ તારા દ્વેષ અને મલિનતાથી ભરેલા આત્મા કરતાં ઉન્નતોન્નત આત્માના બલથી આજ્ઞા કરું છું કે હજી પણ તારે મારું કામ કરવાનું છે તે કર, અને જે જીવોને પરમાત્માની ઈચ્છાનુસાર તેં ઉગારવા દીધા છે તેમના ભવિષ્ય વિષે મને કાંઈ બતાવ.”

શવવત્ ચક્ષુ વધારે સતેજ થઈ અગ્નિ કરવા લાગ્યાં, આખી આકૃતિ વધારે શ્યામ અને વિશાલ તથા વિપુલ થતી ગઈ, જે ઉત્તર મળ્યું તેના શબ્દોમાં વધારે તીવ્રતરદ્વેષ અને ક્રૂરતાનો આવેશ જણાતો ચાલ્યો. “ તને શાપ દેવા કરતાં બીજી બક્ષિસ હું કદાપિ પણ આપીશ એમ તું શા માટે ધારે છે? સ્વાભાવિક રીતે જે મરણ તારાં પ્રિયતમને આવી મળે તેજ તેં આવવા દીધું હોત તો સારું હતું: રમણીય હૃદયાધાર કાન્તિને માતા એવું ઉપનામ પ્રાપ્ત થતાં જે રસિકતા ઉદ્ભવે છે તે તેં ન ચાખી હોત તો સારું હતું; તારા પ્રથમ પુત્રની ઉપર નીચા નમી મીઠાં ચુંબન લેતાં પિતૃવાત્સલ્યનો પરમ ભાવ ન અનુભવ્યો હોત તો સારું હતું. એમને તે બચાવ્યાં:– પણ શા માટે ? એ માતાને બલાત્કાર, અપકીર્તિ, વિષમ વેદના, અને રૂધિરસ્ત્રાવમય મરણજ પ્રાપ્ત થનાર છે:— નવા પતિનાં ચુંબનો, નવોઢાના જે સોનેરી કેશમાં ગુંચવાઈ જતાં હતાં ને કેશને જલ્લાદની તરવાર વેગળા કરનાર છે;– જે બાલકદ્વારા તારા મનમાં, શિવજ્યોતિનો નિરંતર દર્શન અનુભવનાર અને અનહદનાદનું ગાન સાંભળી તારી સાથે પરમાનંદમાં વિહરનાર અનેક અનેક મનુષ્યોની પરંપરા ઉપજાવવાનો તેં મનોરથ ધાર્યો હતો તે થોડા દહાડા જીવી, કેદખાનામાં સડી, ભુખે મરી, ક્રૂરતાનાં સર્વ સંકટ ભોગવી, ભૂખે રીબાઈને મરી જનાર છે. મરણને વશ કરવા મથનાર ! હવે જાણે કે મર્ત્યને વળગવા જતાં કેવા પરિણામને પ્રાપ્ત થવાય છે ! જે, મારું પ્રબલ આખા વિશ્વ ઉપર કેટલું છે ! શુદ્ધ, ઉત્તમ, વસ્તુની શુદ્ધતાને હું ઓળખવા દેતો નથી; જરા પણ મર્ત્યતાનો તેને રંગ લાગે એટલે છેક નીચે ખેંચી પાડું છું. યોગિરાજ ! હવે મારાં વરદાન સાંભળો. અત્યારથી હંમેશને માટે તારા મગજમાં મારી બળતી આંખો ચોંટેલી રહેશે, મારા હાથ તારા શરીરને વીંટાયલા રહેશે, કોઈ પ્રકારે તું મારાથી છૂટી શકનાર નથી. ”

“ફરીથી તને કહું છું કે એ તારી આશા વ્યર્થ છે. પોતાના ગુલામને