પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૯
મહાત્માનું માહાત્મ્ય.


સમુદ્ર ઉપર ચંદ્રકિરણનો એક સ્તંભ બંધાઈ રહે છે તેવો દેખાવ થઈ આવ્યો હતો. પુષ્પમાંથી સ્વાભાવિક રીતે સુવાસ પ્રસર્યો જાય છે, તેમ આ ભવ્યતામાંથી સહેજેજ આનંદ વિસ્તર્યા જતો હતો. તેજ, વિદ્યુત, કે શીઘ્રગામી એવી કોઈ શક્તિ કરતાં પણ અધિક શિઘ્રગામી એવું આ સત્ત્વ વિસ્તાર પામી શુદ્ધ પ્રેમની સમીપ, નિઃસીમ પ્રદેશમાંથી પણ, પહોંચતું ત્યારે ત્યારે માર્ગમાત્રમાં આનંદ અને શીતલતાજ વિસ્તારતું. ક્ષણ વાર દારિદ્રય શોક શાન્ત પડતો, વ્યાધિ વિરામ જતી, નિરાશાના અંધકારમાં આશાનો પ્રકાશ પડતો. એ તેજઃપુંજમાંથી શબ્દ થયો “તારી વાત ખરી છે; તારા ધૈર્યથી, તારી દૃઢતાથી, તારૂં સામર્થ્ય તને પુનઃ પ્રાપ્ત થયું છે. વ્યાવહારિક સંસર્ગોમાં છતાં પણ તારો આત્મા તેથીજ મને તારી સમીપ આકર્ષી શક્યો છે. મરણને સમજવાનો સમય આવ્યો ત્યારેજ તને જ્ઞાન થયું છે, તારો સ્વતંત્ર આત્મા જીવનનું રહસ્ય જાણવા પામ્યો ત્યારે તેનું જ્ઞાન આવ્યું ન હતું. જે માનુષ પ્રેમે તને ક્ષણ વાર બાંધી લેઈ નીચે નમાવ્યો છે, તે, તારી છેલ્લી ઘડીએ, જ્ઞાનની જે છેલ્લી પરિતૃપ્તિ છે તે તને આપે છે, જીવન્મુક્ત છતાં તેં જે ક્લેશ હાથે કરીને વહોર્યો તે નિષ્ફલ નથી, એમાંથી એ તારી વાસના વિશુદ્ધ થઈ તને વાસનાક્ષયનો માર્ગ જડતાં તારી વિદેહમુક્તિ સિદ્ધ થઈ છે.”

આટલું બોલાતાની સાથેજ. પરહિત એવા દ્વેષ અને વૈરભાવને દબાવવાના આયાસમાં એક ચીસ પાડી ક્તબીજ અદૃશ્ય થઈ ગયો; અને આખા ઓરડામાં ચંદ્રપ્રકાશ જેવો પ્રકાશ એકદમ ભરાઈ ગયો.

“અહો ! શિવમૂર્તિ !” યોગીએ અંતરાત્મામાં ભરાતા અધિકાવિક વિસ્તારના તરંગે ચઢી કહ્યું “પહેલાં ન સમજાયલી એવી વાતો પણ માણસને મરણસમયે સમજાય છે. પરઅર્થે સ્વજીવન ત્યજવામાંજ આખા જ્ઞાન અને યોગનું રહસ્ય જણાય છે. તે મારા આત્માનો અન્ય આત્માને ભોગ આપવામાં આ સમયે અનેક કલ્પોને છેડો આવી રહ્યો છે ત્યારે મને જીવનનું લઘુત્વ, મરણનું ભવ્યત્વ અનુભવાય છે. પણ અરે ! દિવ્ય પ્રેમામોદ અનુભવાળી શાન્ત કરનાર ! તારી સમીપે પણ, જે પ્રેમથી મને આ જ્ઞાન થયું છે તે પ્રેમ પાછો મારા મનમાં વિષાદ ઉપજાવે છે — જેને માટે હું મરીશ તેમને આ નઠારી દુનીયાંમાં એકલાં, રક્ષણહીન, મૂકી જવાં ! મારી પ્રિયતમા, મારો પુત્ર ! એટલી વાતમાં મારા મનનું સમાધાન કર.”

કાંઈક ઉપાલંભગર્ભિત, પણ દયાર્દ્ર ઉદ્‌ગારે ઉત્તર કહ્યું કે “તાર આટલા