પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
ગુલાબસિંહ.

દયા ઉપજાવે એવો શોક પ્રતીત થઈ આવે છે ! એમ તો નહિ હોય કે એક જણને આવતી મહાપીડા અને તેના પરિણામની કાંઈ દરકારજ નથી, બીજાને તે ઉપર દયા આવે છે ને તેથી ભય લાગે છે ! વિવેક બુદ્ધિથી જગત્ ઉપર દૃષ્ટિ કરતાં બેમાંથી એકજ પરિણામ આવે – નિર્વેદ કે પ્રેમ. જે આથી બીજી સૃષ્ટિ છે એમ અંગીકાર કરવાવાળા છે તે તો આ સૃષ્ટિને એક અણુમાત્ર માને છે ને તે વિષે તેટલીજ દરકાર કરે છે. જેને નિઃસીમ પરમ જ્ઞાનની પ્રતીતિ છે તેના આગળ પૃથ્વીનો ગોળો શી ચીજ છે ! જે ત્રિકાલસિદ્ધ છે તેના આગળ એ માટીના લોચાની સ્થિતિનો પણ શો હિસાબ છે.! એકજ માણસનો આત્મા આખા જગત્ કરતાં પણ કેવડો મોહોટો છે ! ब्रह्मांडमंडलीमात्रं किं भोगाय मनस्विनः शफरीस्फुरितेनाब्धेः क्षुब्धता आतु जायते ચૌદ બ્રહ્માંડનું નાનું સરખું કુંડાળું તે માહાત્મા જ્ઞાનીને કેવલ નિર્જીવ જેવોજ આનંદ પેદા કરી શકે તેમ છે; કેમકે એ મહાત્માના મહા સમુદ્રતુલ્ય આત્મામાં બ્રહ્માંડ જેવી એક માછલીના ફડફડાટથી શો ક્ષોભ થઈ શકનાર છે ? માણસ ! માણસ ! તુંજ ઈશ્વર છે ! તુંજ સર્વ છે; તુંજ અમર છે. અહો ! હવે પછી તું કોઈ એક ભિન્ન સૃષ્ટિમાંથી આ ગોળા ઉપરના થવાના અને થઈ ગયેલા તરફડાટ શા આનંદથી જોશે ! રામથી તે મ્લેચ્છકુલ ચંદ્રવંશનો ઉચ્છેદ કરશે ત્યાં સુધીના ! વૈવસ્વત નુથી તે મહા પ્રલય પર્યંતના ! જે આત્મા કેવલ સ્વધ્યાનમાંજ રહે છે, તે સદસદ્‌વિચારમાંજ વખત કાઢે છે તે આ સંસારમાં છતાં પણ પોતાના પુણ્યથી પ્રાપ્ત કરેલા સ્વર્ગમાં વસે છે, અને શરીરના બંધનમાં છતાં પણ મુક્તજ છે.

પણ ગુલાબસિંહ ! તારાથી કેવલ ધ્યાનપર રહી શકાયું નહિ ! તારાથી વિષયવાંછનાથી કષાયિત હૃદયની આસક્તિ ધોવાઈ શકી નહિ; રજોગુણમય ઈચ્છાઓથી તારું મન હજી ખેંચાય છે, તું તારી જાતિનાં માણસને કેવલ આત્મરૂપ કરતાં કાંઈક જુદાં માને છે, આ થનાર તોફાન જોવાની તને મરજી છે. તારે જગત્‌માં જે થનાર છે તેનાથી સાક્ષી થવાની ઈચ્છા છે.

ઠીક છે, જા.