પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૨
ગુલાબસિંહ.

પડ્યો તે એણે ભાળ્યો નહિ. પ્રિયતમનું સામર્થ્ય, તેનામાં રહેલું જાદુ, સર્વે જતું રહ્યું હતું, પણ માના નિર્દોષ હૃદયે પ્રથમ પહેલાં જે મંત્રનું બલ અનુભવ્યું હતું તે કસોટીના અને નિરાશાના સમયોમાં તેને કદાપિ ત્યજતું ન હતું. જે સ્વર્ગ પર્યંત પહોંચવા પોતે મિથ્યા ફાંફાં મારે છે ત્યાંથી એક હવાઈની પેઠે ઉંધે માથે જ્યારે પદાર્થવિજ્ઞાન ગગડી પડે છે, જ્યારે પ્રતિભા અને તર્ક ચિતાનાં લાકડાંની સાથે બળીને ખાખ થઈ જાય છે, ત્યારે બાલવત્ આત્માની આશા સર્વત્ર પ્રકાશને અનુભવે છે, શકાર્‌હિત નિર્દોષ શ્રદ્ધા સ્મશાનની પાર સુખને દેખી શકે છે. ઓરડીના છેક આઘેના ખૂણામાં તે હાથ જોડી ધ્યાનમાં નિમગ્ન થઈ હતી, એનો પુત્ર પણ પોતાના સ્મિત વદનને માતાના વદન સામું રાખી સ્થિર થઈ જાણે એના ધ્યાનમાં ભાગ લેતો હતો. આ બે જણના ઉપર ફાનસનું અજવાળું પડ્યું એટલે ગુલાબસિંહ થોભ્યો અને એકી નજરે એમના ઉપર જોઈ રહ્યો. માથાના કેશ છૂટા થઈ નિર્દોષ વદનની બન્ને પાસા અને પીઠ ઉપર છૂટા રમી રહ્યા હતા, મુખમુદ્રા તેની તે શાન્ત, એકાન્ત નિર્મલ જણાની હતી, મીચેલી આંખમાંથી ઝીણી અશ્રુધારા ટપકતી હતી, પલાંઠી વાળીને એ મૂર્તિ એકાગ્ર પ્રેમભાવનામાં સ્તબ્ધ થઇ રહી હતી. એના આત્મામાં ચલતી ભાવના ગુલાબસિહ સાંભળી શકતો હતો, “વ્હાલા ! આપણે મળ્યાં નહિ. અરે મારા આત્મા ! મરણ પછી પણ એ પ્રિયતમના જીવનથી છૂટો ન પડીશ; એની જ પાછળ ફર્યા કરજે, એનેજ જોજે, એનાંજ સુખને સાધજે; અનંત યુગો વધી જાય, અનેક કલ્પ ચાલ્યા જાય, પણ એ પ્રિયતમના આત્માથી જ્યાં સુધી તારો સંગ ન થાય, જ્યાં સુધી તારી એકતા ન થાય, ત્યાં સુધી વિખૂટો થઈશ નહિ. ગુલાબસિંહ: આ તારો પુત્ર, કાલે કેને ‘મા’ કહેશે? કોની છાતી ઉપર રમશે? અરે આત્મા ! તું એની પણ સંભાળ રાખજે. પ્રભુ ! મને એટલી દૃઢતા આપો; આ પુત્ર કોને બાપ કહેશે ? કોણ એને જોશે ?”

મા ! તું પોતેજ, તું પોતે જ એને જોશે, એને સંભાળશે. જેને તું ત્યજી ગઈ છે તેજ અત્યારે તારા પુત્રને એની માતા ઉગારી આપવા તારી સમીપ ઉભો છે.”

મા ચમકી: એ કોનો શબ્દ : પોતાના જેવો જ ગદ્‌ગદિત કોનો ધ્વનિ ! તુરતજ ચમકમાં ને ચમકમાં ઉભી થઈ ગઈ. અમાનુષ્ કાન્તિ અને અક્ષય ભાવનવાળો એ આ ઠેકાણે મરણગૃહમાં આ અવસરે ! – પેલો રહ્યો, અનેક શંકા, અનેક ભય, સર્વના આવરણને ભેદી તેની પાર પડનાર અખંડ પ્રેમદેવતા પેલો રહ્યો !