પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૫
અસમાન પ્રેમનુ ઘરસૂત્ર.

આવતાં તે હસવા ને ખુશી થવા લાગી, પોતાની સાદી પણ આનંદકારક પ્રેરણાઓને વશ વર્તનાર એનું મન, ભવ્ય, યથાર્થ, સત્ય ભૂમાનાં દર્શન પોતા આગળથી ચાલી ગયાં તેમનો સ્વીકાર કરવા ના પાડી આવ્યું, તેમને અસ્પષ્ટ રીતે જ દેખતું હતું, પણ એ કરતાં અધિક નિરાધાર, નિર્મૂલ અને કેવલ અલ્પ એવાં ઐહિક, ક્ષણિક, માયિક સુખનાં ચિત્રમાં શાન્તિ પકડી, ખુશીમાં, વિલીન થવા લાગ્યું. આવા બે આત્માનો યોગ કેદખાનામાંજ લાવે તેમાં ઝાઝું આશ્ચર્ય નથી !

“વ્હાલા !” રમાએ કહ્યું, “ગઈ વાત અત્યારે જવા દો. પાછલી વાતો સંભારશો નહિ. તું અહીં અત્યારે મારી પાસે છે, એટલે હું ઉગરેલીજ છું; હજી પણ આપણે સર્વના જેવો ગૃહસ્થાશ્રમ ચલાવીશું; એવા સાધારણ ગૃહસૂત્રમાં પણ તારી સાથે હોવું એટલામાં મારા મનને પરમ આનંદ છે. તારા જ્ઞાનના અભિમાનમાં જોઈએ તો તું આખા બ્રહ્માંડમાં ફરી વળ, પણ મને તો તારું એક હૃદય જ આખું બ્રહ્માંડ છે. એક પલવાર ઉપર હું એમ સમજતી હતી કે મારી ઘડીઓ ગણાય છે, તું આવ્યો, તને દીઠો, સ્પર્શ્યો, એટલે જીવવામાં કેટલું સુખ છે તેનું મને ભાન થઈ ગયું. જો, જાળીએથી નજર કર, તારા ઝાંખા થતા જાય છે; પ્રાતઃકાલ સત્વર આવી પહોંચશે–બંદીખાનાના દરવાજા ઉઘાડી નાખનાર પ્રાતઃકાલ આવી પહોંચશે. તું કહે છે કે હું તને બચાવી શકીશ, હવે એ વાત ઉપર મને સંશય થનાર નથી, પણ હવે આપણે શહેરમાં રહેવું નથી. આપણે ગયાજીમાં એકાંત સ્થાને વસતાં હતાં ત્યાં પણ મેં તારા ઉપર શંકા આણી નથી; આનંદ અને ઈશ્વરી નૂર વિના અન્ય વાતનું સ્વપ્ન પણ મને ત્યાં આવ્યું નથી; જાગ્રદવસ્થામાં તારી દૃષ્ટિથી વિશ્વમાત્ર પ્રેમ અને આનંદરૂપ લાગ્યું છે. પ્રાતઃકાલ ! – વ્હાલા ! તમે કેમ ખુશી થતા નથી? પ્યારા પ્રાતઃકાલ ! ‘પ્રાતઃકાલ’ એ ખુશી થવાનો શબ્દ નથી? અરે નિષ્ઠુર ! હજી પણ મારા ઉપર આ દાવ વાળવાનું મનમાં રાખે છે. અને જે ખુશી થાય છે તેમાં ભાગ લેતો નથી ! આવ મારા લાડકા ! જો, વ્હાલા  ! આ આપણા કોમલ બાલક સામું જો. એ મારા સામું જોઈને કેવું હસી રહ્યું છે ! જા, હું તો મારે એની જોડે વાતો કરીશ, બેટા ! તારા બાપ આવ્યા છે !”

એમ કહેતે કહેતે બાલકને હાથમાં લઈ, પ્રિયતમથી થોડેક છેટે બેશી પુત્રને છાતી સરસો ચાંપી રમા આમ તેમ ઝુલાવવા લાગી, એને ઝીણી ઝીણી