પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૬
ગુલાબસિંહ.

વાતોનાં ગેલ કહેવા લાગી; અને પ્રત્યેક શબ્દ પછી તેને સુંદર અંગે એક એક ચુંબન લેઈ આગળ કહેતી ચાલી; એમ કરતાં રોવા લાગી, વળી હસવા લાગી, અને પાછું વળી છાને માને એ બાલકના પિતાના ભણી પોતાની મીઠી નજર વારે વારે ફેરવી જોતાં તેને શોકાતુર વદને આથમતા તારા સામું જોઈ રહેલો દેખી એ રોવું અને હસવું અધિક અધિક જોશથી ચલાવવા લાગી. ભવિષ્યમાં શું લખ્યું છે તેથી કેવલ અજ્ઞાન, આ પ્રમાણે બેઠેલી આ સુંદરી અત્યારે કેટલી સુંદર, સ્વરૂપમ, લાગતી હતી ! પોતે હજી પણ અર્ધી બાલકજ, અને એના સ્મિતે સ્મિત મેળવનાર એનો પુત્ર પણ બાલક — શ્મશાનના સીમાન્તે બે નિર્દોષ અજ્ઞાન બાલકો કેવો આનંદ મેળવી રહ્યાં છે. ! જ્યારે જ્યારે તે બાલકને ચૂમી લેવા નમતી ત્યારે, એના કાળા રેશમ જેવા ચળકતા વાળ ગળા ઉપર પથરાઈ મોઢાને પણ ઢાંકી દેતા હતા, બાળક કોમલ હાથે, કીલકારી કરતે કરતે, તેમને ખશેડી નાખી આંખે આંખ મેળવી હસતો હતો. ને પાછો લટકતા વાળમાં મોઢું સંતાડી ખુશી થતો હતો; માતા તેને ‘ઝાઝા’ કરી રમાડતી હતી, એમ અવર્ણ્ય સુખની મીઠાશ જામી રહી હતી, આવા સુખમાં ઉદાસીનતાની ગ્લાનિની છાયા પાડવી એ ખરેખર નિર્દયતાજ હતી, પણ એ સુખમાં ભાગ લેવો તે એ કરતાં પણ વધારે નિર્દય હતું.

“રમે !” છેવટ ગુલાબસિંહ બોલ્યો “તને સ્મરણ છે કે ગયાજીમાં પેલા વૃક્ષ નીચે બેશી આપણે વિનોદ કરતાં હતાં તેવામાં તેં આ માદળીયું માગ્યું હતું, જે શ્રદ્ધા ઉપર એ વહેમનો આધાર હતો તેને ટાળનાર આ તાવીજની તેં ઈચ્છા કરી હતી, મારી જન્મભૂમિનું એટલું એજ ચિન્હ મારા અંગ ઉપર છે, મારી માએ મરતી વખતે મારે ગળે બાંધેલું છે. મેં તે વખતે તને કહ્યું હતું કે આપણાં જીવન એક થઈ જશે ત્યારે હું તને એ આપીશ.”

“મને સારી પેઠે યાદ છે.”

“ત્યારે કાલે એ તારૂં થશે.”

“અરે વહાલી કાલ !” એમ કહેતાંજ, બાલક હવે જરા આંખો મીચી જંપ્યો હતો તેને ધીમે રહી પથારીમાં મુકી દેઈ, મા પોતાના પ્રિયતમને ગળે બાઝી પડી, અને પ્રાચીમુખે વિસ્તરતા ધીમા અરુણોદય ભણી આંગળી કરી બતાવવા લાગી.

દિનમણિએ આ ભયંકર, બીભત્સ, યંત્રણાપંજરના સળીયામાં થઈ ડોકીયાં કરવા માંડ્યાં, અને તેની દ્રષ્ટિ, માનુષી સંબંધોમાં જે કાંઈ સ્થુલાતિરિક્ત,