પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૦
ગુલાબસિંહ.


એનું શોકાતુરપણું, માદળીયું આપવાનો ખરો મર્મ, અને જે સ્વાર્પણ એણે પોતાને માટે કર્યું, તે બધું વીજળીના ઝબકારાની પેઠે માના મનમાં આવ્યું — પણ ઝબકારાની પેઠેજ – ઝબકારો થઈ ગયો કે તુરત અંધકાર ફરી વળ્યો, મહા તોફાની રાતનો અંધકાર જામી ગયો, છતાં પણ તેમાં પ્રકાશ જણાતો હતો. સ્તબ્ધ, મૌન, શબવત્, પાષાણવત્, મા ત્યાં બેઠી હતી, ત્યારે પણ અગાધ ઉદધિ ઉપર મૃદુ પવનની લહરની પેઠે એના અંતરદધિ ઉપર એક પ્રત્યક્ષ સ્વપ્નનો પ્રકાશ વિલસતો હતો :— ભયંકર ન્યાયાસન, કાજી, ફરીઆદી, —અને એ બધી ગર્દીમાં નિર્ભય અને પ્રકાશમય એવી એક આકૃતિ !

“તેં બાદશાહની વિરુદ્ધ ગુનો કર્યો છે; કબુલ કર, તું જાણે છે ?”

“હા જાણું છું; કાજી સાહેબ ! તમારું ભવિષ્ય કહેવાનું વચન પાળુ છું. આજ સૂર્યાસ્ત પહેલાં, જેને તું બાદશાહ કહે છે તે હતો ન હતો થઈ જશે. સાંભળ, અખાડામાં પૃથરાયને આણ્યો છે.

બજારમાં થઈ બંદીવાનોને વધસ્થાન ભણી લીધા; લોકોનું ટોળું વધતે વધતે અનેક માથાંનો મહોટો સાગર ઉભરાઈ રહ્યો, શૂરા રજપૂતો વેષ બદલી ગુપ્ત હથીઆરો રાખી તેમાં સામીલ થયા હતા. ગુલાબસિંહની પાસેજ પેલો નાસ્તિક બંદો ઘેલછાથી ગાંડાં કાઢતો ચાલતો હતો – તણાતો હતો; “કોઈ ! બચાવો-ઉગારો ” એવી બૂમો પાડતો હતો. એજ સમયે લોકોના ટોળામાંથી વીખરેલા વાળવાળી બેબાકળી પણ આંખે અગ્નિ વર્ષાવતી ગાંડી જેવી એક અબલા બહાર આવી “ઓ મારા લાલાજી” એમ બૂમ મારી બંદીવાનોનાં મોઢાં જોવા લાગી, “અલ્યા જલ્લાદ ! મારો લાલાજી ક્યાં છે? એનું તેં શું કર્યું ?” એમ કહેતી બધાંના સામુ જોઈ વળી, પણ જેને શોધતી હતી તે ન મળવાથી બોલી “હાશ; દૈવ ! મારા વ્હાલા ! હું તારા મોતની ધણી થઈ નથી.” ટોળું આગળ ચાલ્યું, બપોર થયા છે, કાંઈ કરતાં સાંજ પડે, તવા વિંધાય, તો બધાં ઉગરી જાય ! પણ ગુલાબસિંહ ! તારા વદન ઉપર હજીએ ઉદાસીનતાની જ છાયા વસેલી છે; કશી આશાનો કિરણ પણ ત્યાં પ્રકાસતો નથી.ટોળામાં છુપાઈ રહેલા રજપૂતોની ધીરજ રહી નહિ, તેમણે વેષ ફેંકી દીધો, તરવારો તાણી, અને મારામારી શરૂ થઈ. પેલો જે લશ્કરી અમલદાર ગુલાબસિંહને મળ્યો હતો તે અને આ શૂરાઓ વચ્ચે કતલ ચાલી, ટોળામાં ભંગાણ પડ્યું, ધણાકના પ્રાણ ગયા, એક પાસા લોહી લુહાણ થઈ પેલી ગોપિકા પડી હતી, મરતી મરતી પણ “વ્હાલા ! લાલાજી !” એ શબ્દો ઉચ્ચાર્યા