પૃષ્ઠ:Gulabsinh.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
ગુલાબસિંહ.

આગળ જઈ શકતા નહિ, રજપૂત લોકની એકનિષ્ઠા અને રાજભક્તિ એવી દૃઢ હતી કે આવા વિતર્કથી તેમના વિચાર આડે માર્ગે વળી શકતા નહિ. કદાપિ વળ્યા હોત, પણ જેમ એક તરફથી તેમની શ્રદ્ધા તેમને હદમાં રાખતી હતી તેમ બીજી તરફથી મુસલમાનોના ત્રાસને લીધે સર્વે પોતાના દેશ માટે જીવ વેગળા મૂકી બેઠેલા હતા. બીજું સુજતુંજ નહિ.

એક તરફથી પોતાના રાજ્યમાં સુધારો કરવાના અને બીજી તરફથી મુસલમાન લોકોનો ત્રાસ નિવારણ કરવાના વિચાર ચાલી રહ્યા છે, મંડલીમાં અફીણ, મદિરા, આદિનો દોર જામી રહ્યો છે, સર્વે પોતપોતાની જે કાંઈ ધૂન હોય – રાજ્ય, કાવ્ય, ધર્મ, નીતિ – તેને તાને ઝુકી રહ્યા છે, તેવામાં કોઈએ કહ્યું કે આ કલિકાલનો મહાવિકટ વખત આવતો ચાલે છે, તેમાં આપણા શિષ્ટ આર્ય લોકનો આચાર તો ધીમે ધીમે મલિન થઈ જતો જાય છે ને તેથીજ આપણી પડતીનો વખત પાસે આવતો માલુમ પડે છે. એવામાં માનસિંહ નામે શૂરવીર મદિરાનો પ્યાલો પોતાના મોં આગળ લઈ જતાં બોલી ઉઠ્યો કે “એ તો બધું ખરૂં પણ હાલનો કાલ શો માઠો થઈ ગયો છે, કે તમે બધા પુરાતનની વાતોને જ વખાણો છો ? લોકને એવી પ્રકૃતિ પડેલી હોય છે કે જે ન સમજાય તે બધું ઘણું પવિત્ર અને માન આપવા લાયક ગણી લેવું ! પણ એમાં શું ? એ તો વગર અક્કલનું કામ કહેવાય. શું દિવસે દિવસે માણસો બેવકૂફ થતા જાય છે ? ઉલટું હું તો એમ ધારૂં છું કે બુદ્ધિનો દિનપ્રતિદિન વધારો થતો ચાલે છે, ને સર્વ વાતનો ધીમે ધીમે ખુલાસો થતો જાય છે. અરે મારો હજામ પણ આજ સવારે કહેતો હતો કે હુંતો તપાસ કર્યા વગર કાંઈ પણ વાત એકદમ માનું નહિ.”

કોઈ બોલી ઉઠ્યું કે “બધા જ્યારે એમ અક્કલમંદ થવા મંડ્યા છે ત્યારે તો નક્કી હવે જે સત્યયુગ કલિ પછી આવનાર છે તેને ઝાઝી વાર સમજવી નહિ !”

આ સાંભળતાંજ રાજલોભને મદે ચઢેલા અને તેમાં વધારે સુખ માનવામાં મસ્ત થઈ રહેલા ઝનુની અમીરો એકદમ ભેગા થઈ ગયા અને આનંદમાં આવી તરહ તરહવાર વાતો કરવા લાગ્યા. એ બધામાંથી રણમલસિંહ નામનો મહા વક્તા અને પંડિતાઈનો ડોળ ધારનાર યોદ્ધો બોલી ઉઠ્યો કે “વાહ ! ત્યારે તો સર્વ રીતે સત્યનોજ પ્રકાશ થઈ રહે. ધન