પૃષ્ઠ:Gulabsinh.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
અંબર.

ધાન્ય વગેરે સર્વને સમાન થઈ રહે. એક તરફથી દુઃખનો નાશ થઈ જાય અને બીજી તરફથી જ્ઞાનનો વધારો થતે થતે વનૌષધિના ગુપ્ત ગુણ એવી રીતે જણાઈ આવે કે પછી વ્યાધિ કે મરણ માણસમાં દાખલ થઈ શકે નહિ. આ કરતાં તે બીજું સુખ કેવું હોય ! આવો મુસલમાનો ! પછી જુઓ તમારા હાલ થાય તે ! ધન્ય છે આર્યભૂમિ ! તારા પ્રતાપની સીમા નથી ! તારા ઉપર કોણ હાથ ધરનાર છે !”

આ બધી વાત ચાલતી હતી તે વખતે બે નવા માણસો જે પણ આ મિજલસમાં આવ્યા હતા તે એક ખુણામાં બેશી રહ્યા હતા અને આ તકરારો ઉપર કંઈ પણ લક્ષ આપતા ન હતા. કેફના જોશથી અને રાજ્યના લોભથી ઉકાળે ચઢેલા મગજના આ તરંગોમાં કાંઈ સાર નથી એમ તે સમજતા હતા. એમાંનો એક તો થોડા વખતથીજ અંબરમાં આવ્યો હતો, પણ પોતાનાં સમૃદ્ધિ તથા વૈભવથી સર્વ લોકમાં પરિપૂર્ણ પ્રસિદ્ધ થઈ ગયો હતો. બીજો જે એની સાથે વાત કરતો હતો તે આશરે સિત્તેર વર્ષની ઉંમરનો વૃદ્ધ રાજકવિ ચંદ હતો. બન્ને જણ ધીમેથી વાતો કરતા હતા.

પરદેશીએ કહ્યું “હા ખરી વાત છે આપણે આગળ મળ્યા છીએ.”

“મને તમારૂં વદન કોઈ વાર જોયું હોય તેવું પરિચિત લાગે છે ખરૂં, પણ હાલ તે વિષે કાંઈ વિશેષ સ્મરણ થઈ આવતું નથી.”

“જ્યારે તમે ફક્ત જાણવાની ખાતરજ કે પછી વિશેષ જ્ઞાન મેળવવાની મરજીથી હિમાલયના ગહન પ્રદેશમાં આવેલા માનસરોવર ઉપરના સિદ્ધાશ્રમમાં દાખલ થવા આવ્યા હતા તે વખત યાદ છે ?”

“હાં હાં હાં ! તમે તે સિદ્ધ મંડલમાંનાજ છો કે ?”

“હા, હું તે લોક શું કરે છે તે જોવા માટે ગયો હતો, અને તેમની ક્રિયા ખરા જ્ઞાન માર્ગથી કેટલી અદૂર છે તે જોઈને આશ્ચર્ય પામ્યો હતો.”

“તમને હજુ એવી બાબતનો શોખ રહ્યો જણાય છે ! મેં તો એ બધા વ્યર્થ વિચાર મૂકી દીધા.”

“તમને એમ લાગે ” પેલે પરદેશીએ જવાબ દીધો “પણ એ વિચાર હજુ તમારા અંતર્‌માંથી ખસ્યા નથી, તમારા અંગથી જુદા થયા નથી. તે એટલે સુધી કે તમે હવણાં ધારો તો તમારી જીભેજ એવા સિદ્ધની પેઠેજ અનેક ભવિષ્ય ભાખી શકો.”