પૃષ્ઠ:Gulabsinh.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
ગુલાબસિંહ.

આ પ્રમાણે વાત કરતાં તે પરદેશી જ્ઞાનમાર્ગ તથા યોગનાં જુદાં જુદાં અંગ વૃદ્ધ કવિરાજને સમજાવતો જતો હતો અને જુદા જુદા સિદ્ધાંત એમના મનમાં ઉતારતો હતો; છેક પાસ પાસે બેશી વાતો કરતાં પરદેશીની દૃષ્ટિ વરદાયીની દૃષ્ટિ ઉપર દૃઢ રીતે પ્રકાશી રહી હતી, અને વચમાં વચમાં ચંદના વરદાયી એ બિરુદનાં પણ પેલો નિપુણ પુરુષ વખાણ કર્યા જતો હતો. તેવામાં ચંદનો ચહેરો બદલાઈ ગયો અને તે પોતાના સોબતી તરફ જોવા લાગ્યો કે આ શું થાય છે !

આ જોતાં ણમલસિંહ બોલી ઉઠ્યો “કેમ કવિરાજ ! તમે આ મુસલમાનો વિશે અને સત્યયુગના ઉદય વિષે શું ધારો છો ? આપણું એમાં શું થશે ?”

આ પ્રશ્ન સાંભળતાંજ કવિ ચમકી ઉઠ્યો, એનું વદન ફીકું પડી ગયું, અને કપાળે પરશેવાનાં બિંદુ થઈ આવ્યાં, હોઠ ફફડવા લાગ્યા. આ જોઇને સર્વેને ઘણું આશ્ચર્ય લાગ્યું !

એ ડોસાના હાથ ઉપર પોતાનો હાથ મૂકીને પેલો પરદેશી ધીમેથી બોલ્યો : “કહો, એમાં શું છે ”?

ણમલ ! તુંજ એ વાત પૂછેછે તો લે સાંભળ, તને મ્લેચ્છ લોક પકડીને લેઈ જશે પણ તું તેમની તરવારથી નહિ પણ તારી પોતાની તરવારથી બંદીખાનામાં આપઘાત કરશે.”

ણમલે જવાબ દીધો “અરેરે ! કવિ ઘરડા થયા એટલે મત ગઈ, બાકી સત્યયુગ આવવાનો થયો ત્યાં મ્લેચ્છ કેવા ને બંધીખાનાં કેવાં ?”

એક બીજાએ પૂછ્યું, “અને મારૂં શું ધારો છો ?”

“તું પણ તારે હાથેજ તારૂં ગળું કાપનારો છે. અને તમે ભીમદેવ ! ને તમે રામસિંહ ! તમે બધા ઘણે ખરાબ કમોતે મરવાના છો, વ્યર્થવાદ મૂકીને તમારી સ્વભૂમિનું રક્ષણ કરો.”

આવી વાતો સાંભળતાંજ બધા ચૂપ થઈ રહ્યા. પણ ભીમદેવે હિંમત ધરી પૂછ્યું કે “કવિરાજ ! ત્યારે તો માંહેથી માંહે આ રાજ્યનું શું થશે તે જોઈ કાઢો.”