પૃષ્ઠ:Gulabsinh.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
ગુલાબસિંહ.

તેમાં સુતાર લુહાર જેવા ભાત ભાતના ગરીબ કારીગર ધંધાથી ભાગી જઈ લેણદારોના કબજામાંથી છૂટા થવા માટે ભાડે ભરાઈ રહેતા. અથવા કોઈ પંડિતાઈનું ડોળ કરનાર વિદ્વાન્‌ કહેવાતા ઢોંગીઓ લોકોને ધર્મ વિરુદ્ધ, રાજ્ય વિરુદ્ધ, કે નીતિ વિરુદ્ધ ઉપદેશ બતાવ્યા પછી લોકના તિરસ્કારથી છૂટા થવા માટે સંતાઈ પેસતા. ભોંયતળીએ તરહ તરહના સામાન ને કારીગરીના નમુના વેચનારની દુકાનો આવી રહી હતી. ઉપરના તથા વચલા માળામાં મધ્યમ સ્થિતિના અમીર ઉમરાવો વસતા હતા અને તે ઉપરનાં છાપરા સરસાં માળીયાંમાં ફેરીયા વગેરે વેપારી પડી રહેતા. આવા મકાનમાં ભાડાની જગો જ્યારે જ્યારે જોઈએ ત્યારે મળી શકતી; ગુલાબસિંહે પણ થોડા દિવસ ત્યાંજ એક કોટડીમાં બીજે માળ મુકામ રાખ્યો હતો.

આ પરદેશી જેવો દાદર ઉપરથી ચાલ્યો જતો હતો તેવોજ તેની પાસેના ઓરડામાંથી, જોતાં કંટાળો આવે એવી આકૃતિનો એક જવાન માણસ નીકળ્યો અને પાસે ઘસાઈને ચાલી ગયો. એની આંખ ચોરના જેવી અને છુપાતી તથા ક્રુર છતાં પણ સહજ ભયભીત હોય તેવી જણાતી હતી. એનું મોં ફીકું પડી ગયું હતું. અને એની આકૃતિ મનોવ્યથાથી પીડાતી હોય તેવી વ્યાકુલ હતી. પેલો જવાન જેવો દાદર ઉતરતો હતો તેવોજ આ પરદેશીની નજરે પડ્યો, અને તેનો બધો ભાવ એના મનમાં ઉતરી ગયો. વિચારમાં પડીને આપણો પરદેશી જોતો હતો તેવામાં જે ઓરડામાંથી એ નીકળી આવ્યો તેમાંથી કોઇને ડૂસકાં ખાતું એણે સાંભળ્યું. પેલા છોકરાએ બારણું બીલકુલ બંધ કરવાની તજવીજ તો કરી હતી પણ ઉતાવળમાં પોતાની પાછળ કમાડ ખેંચતાં વચ્ચે કાંઈ આવ્યાથી તે જરા ઉઘાડું રહી ગયું હતું. પેલા પરદેશીએ કમાડ ખુલ્લાં કરી અંદર જઈ જોયું તો ઘણી કંગાલ હાલતમાં પડેલા સામાનથી શણગારેલો એક ઓરડો જોયો. એ ઓરડાને સામે છેડે એક ડોસો ખાટલામાં પડ્યો હતો. કાંઈ દરદથી અમળાયાં કરતો હતો. એક ઝાંખો સરખો દીવો ગોખલામાં બળ્યાં કરતો હતો, પણ કોઈ નોકર ચાકર જણાતું ન હતું. પેલા ડોસાએ છેક મરતે મરતે કહ્યું “પાણી–પાણી ! મારૂં ગળું સૂકાઈ જાય છે, હું બળી જાઉં છું !” આ સાંભળી પેલો પરદેશી એના બીછાનાની પાસે ગયો અને તેનો હાથ ઝાલી કાંઈ કહેવા જતો હતો એટલામાં ડોસો બોલ્યો કે “તારૂં કલ્યાણ થાઓ કાળા ! તું વૈદ્યરાજને પાછા બોલાવી લાવ્યો તે ઠીક થયું. વૈદ્યરાજ ! હું તો