પૃષ્ઠ:Gulabsinh.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫
ભાડાની કોટડી.

ગરીબ છું, પણ આપને રાજી કરીશ. આ છોકરો જરા મોહોટો થાય ત્યાં સુધી જીવાય તો સારું” આટલું બોલતાંજ ડોસો બેઠો થયો અને પેલા નવા આવનાર માણસ તરફ આતુરતાથી જોઈ રહ્યો.

“તમને શું થાય છે ? શું રોગ થયો લાગે છે ?”

“આગ ! આગ ! મારા કાળજામાં જાણે આગ મૂકી છે. પેટમાં પણ તેમજ — અરે ! બળી મુઓરે !”

“તમને જમ્યાને કેટલી વાર થઈ ?”

“જમવાની શી વાત ! ફક્ત આ કાંજી જરા લીધી તેજ. આજ સવારથી આખા દિવસમાં બીજું કાંઈ નહિ, આ પડી વાડકી. એ પીધી કે તુરતજ આ દરદ ચાલું થયું.”

પેલા પરદેશીએ વાડકીમાં રહેલી થોડી કાંજી હતી તે જરા ધ્યાન રાખીને જોઈ લીધી, ને પૂછ્યું “તમને આ કાંજી કોણે પાઈ ?”

“બીજા કોણે ? મારા કાળાએ ! બીજું તે કોણ હોય ? મારે નથી ચાકર કે નફર, હું તો ઘણો ગરીબ, મુફલીસ હાલે છું. પણ તમે વૈદ્ય લોક તો ગરીબ દીઠો કે તેને ગણવાનાજ નહિ, તેથી લો હું ઘણો પૈસાવાળો છું એમ ધારો, પણ મને મટાડી શકશો ?”

“જેવી પ્રભુની મરજી; જરા રહો.”

ડોસાને કોઈએ ઝેર આપેલું હતું ને તેની અસરથી તેના ઉપર મોતનો પંઝો સખ્ત સપડાઈ ગયો હતો. પેલો પરદેશી પોતાની કોટડીમાં ગયો અને તુરતજ કોઈ એવી દવા લેઈ આવ્યો કે જે લેતાની સાથે ઝેર ઉતરી જવા લાગ્યું. દરદ બંધ થઈ ગયું. હોઠ ઉપરથી ભૂરો રંગ ખશી જવા લાગ્યો, અને ડોસો ગાઢ નિદ્રામાં જંપી ગયો. પેલા પરદેશીએ એની ઉપર ચાદર ઓરાઢી દીધી, અને હાથમાં દીવો લઈ ચારે તરફ જોવા માંડ્યું. આખા ઓરડાની ભીંતે એણે ઘણાં સરસ કારીગરીનાં ચિત્ર જોયાં; એક ગાંસડીમાંથી પણ તેવાંજ બીજાં મળી આવ્યાં. પણ ગાંસડીમાંનાં ચિત્રો ઘણાં ભયંકર તથા ભાત ભાતનાં દુઃખ વેઠતાં માણસની આકૃતિનાં હતાં તેથી કંટાળો પેદા કરતાં હતાં. આ છબીઓનાં વદન પણ એવા આકારના બનાવ્યાં હતાં કે તે જોતાંજ મનમાં કમકમાટ છૂટે, કેમકે ક્રૂરતાથી કરીને મોતના જેટલા આકાર કરી શકાય તે બતાવવાનો આ આકૃતિઓમાં પ્રયત્ન કરેલો હતો