પૃષ્ઠ:Gulabsinh.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
ગુલાબસિંહ.

અને નીચે વળી લખેલું હતું કે “બડે સાહેબોનું સ્વરૂપ.” પુસ્તકો પણ જથા બંધ ગોઠવી રાખેલાં હતાં; નાસ્તિક અને ચાર્વાક તથા બૌદ્ધ લોકના ગ્રંથો તેમાં ઘણા જોવામાં આવતા હતા. એક ગ્રંથ તો વચ્ચે મેજ ઉપરજ ખુલ્લો પડેલો હતો; તેના પાના ઉપરથી જણાતું હતું કે તે ચાર્વાક મતનો ગ્રંથ છે; કેમકે તે જે ઠેકાણે એ લોક ઇશ્વર નથી એમ સિદ્ધ કરે છે તે સ્થલે ખુલ્લો હતો.

મધ્ય રાત્રીનો વખત વીતીને પ્રભાત થવાની તૈયારી હતી તેવામાં કોઇ આવતું હોય તેમ પગલાં વાગવા લાગ્યાં. પેલો પરદેશી બીછાનાની બાજુ પરના એક ખુણામાં ભરાઇ ગયો, અને અંદર આવનારની નજરે પડે તેમ રહ્યો નહિ. જે માણસ હાલ ઉંચે પગે ધીમે ધીમો અંદર દાખલ થયો તે પોતાને ઘસાઇને ગયો હતો તેનો તેજ હતો. તે હાથમાં દીવો લઇ બીછાના તરફ ગયો, ડોસાનું મોં, અવળું પાસું બદલીને સુતો હતો તેથી ફરી ગયેલું હતું. પણ તે એવી શાન્તિથી સુતો હતો તથા તેના શ્વાસોચ્છ્વાસ એટલા ધીમા હતા કે પેલા માણસની ઉતાવળી તથા સાશંક અને ભય ભરેલી દૃષ્ટિએ તો આની નિદ્રા મરણવત્‌ જણાયા વિના રહી નહિ. આ જોઇને પેલો પાછો વળ્યો, અને મંદ મંદ હાસ્યથી તેના અંતર્‌ની ખુશી બહાર ઉભરાઈ જવા લાગી. તેણે ઝડપથી દીવો ગોખલામાં મૂકીને ખીસામાંથી એક કુંચી ખેંચી કાઢી તુરતજ એક પેટી ઉઘાડીને તેમાંથી સોનાની લગડીઓ ઉપાડવા માંડી. આ વખતે પેલો ડોસો જાગ્રત્‌ થવા લાગ્યો ને આળસ મરડી આમ તેમ જોવા લાગ્યો. ધીમે ધીમે ક્ષીણ થતા પેલા દીવા ભણી તેની નજર ગઈ. એવામાંજ એણે પેલા ચોરને જોયો કે તુરત બેઠો થયો અને ભય કરતાં પણ આશ્ચર્ય પામી બે ચાર ક્ષણ સુધી સ્તબ્ધ થઇ રહ્યો. ખાટલા પરથી નીચે કૂદી પડી આખરે તે બોલ્યો “ભલા ભગવાન્‌ : આતે સ્વપ્નું કે ખરી વાત ! તું ! અરે તુંજ જેને માટે મેં આજ સુધી પેટ બાળીને મેહેનત કરી તેજ–તું !”

પેલો ચોર આ સાંભળીને ચમક્યો તેવું તેના હાથમાંથી સોનું જમીન ઉપર પડી ગયું. “વાહ ! હજુ પણ તું નથી મુઓ કે ! શું ઝેરથી પણ કાંઈ ન થયું !”

“ઝેર ! અરે છેકરા !” એમ બોલતાંજ ડોસાએ પોતાનું માથું કૂટવા માંડ્યું, અને એકદમ જોસમાં આવી કહેવા લાગ્યો “કાળીયા ! મારા કાળા !