પૃષ્ઠ:Gulabsinh.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭
ભાડાની કોટડી.

તું ઝેર એ બોલ નથી બોલ્યો એમ કહે, તારી નજરમાં આવે તો મારૂં સર્વસ્વ લઇ જા અને સાફ કરી નાખ, પણ જે ફક્ત તારે માટેજ આજ સુધી જીવ ધારણ કરી રહ્યો છે તેને તું આમ મારવાની યુક્તિ કરે છે એવું ના બોલ. લે લે આ રહ્યું મારું બધું દ્રવ્ય અને સોનું. મેં તારા સિવાય બીજા કોઈ માટે એ ભેગું કરેલુંજ નથી. જા જા તારું કાળું કર.” આટલું બોલીને ડોસો જમીન પર ઢળી પડ્યો અને જે ખૂની થોડી પળ આગળ એનાથી દબાઈ ગયો હતો તેના પગ આગળ દુઃસહ મનોવ્યથાને લીધે લોટવા લાગ્યો. પેલો ચોર એના તરફ ઘણી તિરસ્કાર ભરી નજરે કરડે હૈયે જોઈ રહ્યો હતો.

“અરે દુષ્ટ ! મેં તારું શું બગાડ્યું ? નિરંતર તારા ઉપર પ્રેમ રાખીને તને ઉછેર્યો તેજ કે બીજું ! તારે માબાપ હતાં નહિ, તારે કોઇ સગું વહાલું પણ ન હતું, મેં તને સાચવ્યો, તને પાળ્યો અને મારો પુત્ર કરી લીધો. મને લોક કૃપણ કહેતા હશે, પણ તું મારો વારસ મારા મુવા પછી ભૂખે ન મરે તેથીજ. મારા મુવા પછી તને મારું સર્વસ્વ મળ્યું હોત પણ તારાથી રહેવાયું નહિ. હુ થોડા માસ કે દિવસ જીવ્યો હોત તો તારા જેવા જવાનને શી હરકત હતી. આટલું આટલું કરતાં મેં તારું શું બગાડ્યું હતું !”

“તું હજુ પણ મરતો નથી, તેમ તે દ્રવ્ય મને આપવાનું પણ કરતો નથી તે.”

“અરે પ્રભુ ! રે ભગવાન્‌ !”

“મેલ પૂળો તારા પ્રભુ ને ભગવાન ઉપર ! બેવકૂફ ! તેં મને મારા બાલપણથીજ ઇશ્વર નથી એમ નથી કહ્યું ! તેં મારા મગજમાં ફક્ત બુદ્ધિ અને દલીલને પૂજવાની વાત નથી ભરી રાખી ! જે વિશ્વાસ અને ભક્તિ તેં મને શીખવ્યાંજ નથી તે તારા પ્રતિ હું ક્યાંથી લાવીને બતાવી શકું ? તેં શુ એમ પણ નથી સમજાવ્યું કે સદાચાર, ભલાઇ, ન્યાય એ સર્વ માણસના ભલા માટેજ પાળવાનાં છે. બાકી મુવા પછી તો કાંઈ નથી. માણસને સારું ! મારે માણસ જાતિ ઉપર પ્રીતિ રાખવાનુ શું પ્રયોજન છે ? ભયંકર અને વિલક્ષણ આકૃતિની મનુષ્ય જાતિ તો રસ્તે જતાં મારો ઉપહાસ કરે છે; તું પૂછેછે તે મારું શું બગાડ્યુ છે ? તેં મને આ જગત્‌માં સર્વના ઉપહાસનો વિષય બનાવી મૂક્યો છે, અને હવે પછીના જગત્‌ની આશા તો મારા મનમાંથી પણ કાઢી નાખી છે. બોલ એ થોડું દુઃખ છે ! શું પુનર્જન્મ નથી ?