પૃષ્ઠ:Gulabsinh.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રસ્તાવના.

હૃદય વિશાલ અને શ્રદ્ધાવાળું થાય, સંકોચ અને ભયને સ્થાને ઉદારતા અને નિર્ભયતા ઉભરાય, એવા ઉચ્ચીકરણનું જો કોઈ સાધન હોય તેની ખરી અને પ્રથમ આવશ્યકતા છે. લેખનમાત્રની પ્રવૃત્તિ એ અર્થેજ સાર્થક છે; અન્યથા નિષ્ફલ છે.

વાર્તાના પુસ્તકની પ્રસ્તાવના આરંભે વેદાન્તના સાધ્ય ઉપર આટલો વિસ્તાર કોઈને અપ્રાસંગિક લાગશે, પણ વેદાન્તના તત્ત્વને સ્વીકારી અનુભવવા તથા અનુભવવાની આશાના ઉલ્લાસમાં જે જે પ્રયાસો થાય છે તેનોજ આ વાર્તા પણ એક પ્રકાર છે એમ જણાવવાને એટલો ઉપોદ્‌ઘાત કરવો પડ્યો છે. તર્કપ્રધાન વિચારપદ્ધતિના લેખો, નાનાં સરલ વ્યાખ્યાનો અને નિબંધો કાવ્યની સુરસ યોજનાઓ, એવાં વિવિધ દ્વારથી જિજ્ઞાસુના હૃદયમાં પ્રવેશ કરવાના આયાસમાંનો કથા કે વાર્તાનું દ્વાર શોધવાનો પણ આ એક આયાસ છે. મૂલ વાર્તા અંગરેજીમાં લોર્ડ લીટને ‘ર્ઝનોની’ એ નામ આપી લખેલી છે. વાર્તાકાર પરમસત્યનો વિસ્તાર કરવાની ઉત્સુકતાએ શોધ કરતાં એ અંગરેજી વાર્તાજ બહુ મનોહારિણી અને ઉપયોગી માની. એમાંની વસ્તુસંકલના રાખી લીધી, પણ દેશકાલને અન્ય રૂપ આપી આપણા વાચકવર્ગને સમગ્ર વૃતાન્ત અનુકૂલ થાય તેવો વિન્યાસ કર્યો. એમ કરતાં અંગરેજીની ઘણીક ખુબીઓનો વિનાશ થયો હશેજ, કોઇ ઠેકાણે નવી યોજનાઓ આવી હશેજ, તથાપિ અંગરેજીના અક્ષરશઃ ભાષાન્તર કરતાં આ અનુકરણ વધારે રસિક અને વાચન યોગ્ય નીવડી શકશે એમ માનવાને કારણ છે. મૂલ અંગ્રેજીને આ અનુકરણ સાથે મેળવવાનો આયાસ કરવાનો જેને અવકાશ હોય તે તારતમ્ય વિચારી શકશે.

બુલવર લીટન પોતે ઘણો પ્રસિદ્ધ અને ચતુર વાર્તા લખનાર હોવા ઉપરાંત તત્ત્વજ્ઞાનનો જિજ્ઞાસુ હતો એમ કહેવાય છે, અને એવું પણ કેટલાક માને છે કે લાલાજી એ નામનું જે પાત્ર આ વાર્તામાં છે તેના જેવો કાંઈક અનુભવ તેને થયો હતો. ર્યાવર્તમાં જેમ સિદ્ધ અને મહાત્માઓના અસ્તિત્વ વિષે શ્રદ્ધા છે તેમ યુરોપમાં પણ રોસિક્રુશીઅન નામની મંડલી અને તેના માહાત્માઓ વિષે શ્રદ્ધા ચાલે છે. તેવા કોઈ મહાત્માને મળવામાંથી આ વાત ઉદ્ભવી છે એમ મનાવવાને બુલવર લીટન એક અર્ધી સત્ય, અર્ધી કાલ્પનિક, પણ લોકો મહાત્મા આદિ સંબંધે જે કાંઈ માને છે તેને ધ્વનિથી ઉપદેશ આપનારી, પ્રસ્તાવના સને ૧૮૪૨ ની આવૃત્તિમાં લખે છે. તેનો સાર એ છે કે :—