પૃષ્ઠ:Gulabsinh.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧
ક્ષત્રિયોની પડતી.

ડોસાના કાળજામાં આ જવાબ તીરની પેઠે લાગ્યો. તે પોતે પ્રતિઉત્તર કરવા જતો હતો પણ તેટલામાંજ જે સગાને એણે બોલાવ્યો હતો તે ઓરડામાં દાખલ થયો. એ માણસનું વય લગભગ ત્રીશ વર્ષનું જણાતું હતું; એનો ચેહરો છેક સૂકો, ચઢી ગયેલો, તથા પાતળો જણાતો હતો; એની આંખો ઘણી ચપલ હતી; તથા હોઠ એક બીજા સાથે ચોટી ગયેલા ચપટ હતા. પોતાના સગાએ પોતાના વીત્યાની વાત કહી બતાવી, તે તેણે ઘણો ભય પામતે પામતે, તથા માથું ધૂણાવતે ધૂણાવતે સાંભળી; અને એ દુષ્ટ ચોરની ખબર દરબારમાં કોટવાળને કરવા માટે તેણે ઘણુંએ કહ્યું પણ ડોસાને ગળે તે વાત ઉતરી નહિ.

“બસ બસ દોસ્ત !” ડોસાએ કહ્યું. “તું તો વળી મહોટો રાજદરબારનો બેસનાર છે. તમારા લોકને માણસના જીવની કીંમતજ ન મળે. કોઈ પણ માણસ જરા તમારે હાથ પડે તેવી રીતે ચાલ્યો કે તુરત તમે બોલી ઉઠવાના કે એને તો ગરદનજ મારો.”

“હું !” પેલો બોલ્યો “હું તે એમ ધારું; તમે તદ્દન ખોટો વિચાર કરો છો. આપણા દેશના દરબારી વ્યવહારથી મને જેટલો નિર્વેદ પેદા થાય છે તેટલો બીજાને ભાગ્યેજ થતો હશે. મારો અભિપ્રાય તો એ છે કે આખરે ગરદન મારવાની સજા તો કરવીજ ન જોઈએ, ખુની કેદીને પણ કરવી ન જોઇએ. જે ઉદાર વૃત્તિવાળા રાજકીય પુરુષો એમ કહે છે કે જીવે જીવ લેવો એ તો ફક્ત જુલમગારોએજ પોતાની સત્તા દૃઢ કરવા શોધી કાઢેલી રીત છે, તેની સાથે હું મળતો આવું છું; કેમકે હજારો શરીર પડે તેથી કોઇનાં મન તાબે થયાં કે નહિ તેની શી ખાત્રી ? આ૫ણા રાજ્યવ્યવહારમાં ઘણો સુધારો કરવાની જરૂર છે ને તેથીજ હાલના નવા મંડલમાં આપણે તો ઘણો ભાગ લઈએ છીએ.”

આ દરબારી અને નિપુણ ગૃહસ્થ એટલું બધું અને આ પ્રકારનું બોલ્યા કે તે બોલતા બોલતા થાકી ગયા; પણ પેલો પરદેશી એના તરફ ઘણા આશ્ચર્યસહિત જોઇ રહ્યો, અને મનમાં ઘણો ખેદ પામવા લાગ્યો.

“કેમ મેહેરબાન !” પેલો દરબારી બોલ્યો “તમને આ વાત ન ગમતી હોય તેમ લાગે છે; તમારું શું મત છે ?”

“માફ કરજો ભાઇ ! હું તો ફક્ત મારા મનમાં ભવિષ્યની કોઈ વાત આવવાથી જે ભય લાગતું હતું તેનું સમાધાન કરવામાં પડ્યો હતો, તેથી