પૃષ્ઠ:Gulabsinh.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
ગુલાબસિંહ.

ઝલકદાર પ્રાચીન રાજધાનીમાંથી એને નાશી જવાની ઈચ્છા કેમ થઈ આવી ? ને અહીં પાછા આવતાં વિચાર રાખવો એવી એનેજ અંતર્‌થી ચેતવણી શા માટે ઉઠવા લાગી ? એનેજ-જીવન્‌મુક્તનેજ-નિડરનેજ-નિર્ભયનેજ ! એ ગમે તેમ હો, પણ અંબર નગર તજીને ગુલાબ પાછો દીલ્હી તરફ વળ્યો, હીમાલયની પવિત્ર શયામાં વસવા ગયો, મૃદુ, મધુર, કાન્તિમતી રમા ! જમનાના તરંગ સાથે તરંગિત હૃદયમાં ઉછળી રહેલી રમા : અમે પણ હવે તારા તરફ જ આવીએ છીએ.

પ્રકરણ ૯ મું.

પ્રિયતમે બતાવેલું વૃક્ષ.

કેમ સરદાર ! હવે તો તને સંતોષ થયો ?— તને તારી નોકરી પાછી મળેલી છે, તારી પ્રિયસરંગી તારા વિજયમાં પરિપૂર્ણ સહાય થઇ છે. તારા શ્રવણમાં હવે તારાજ કાવ્યનો રમરમાટ જામી ગયો છે. રંગભૂમિના તખ્તાપર તારી પુત્રીજ ઝળકી રહી છે;— તારૂં પ્રમોદકારક ગાન અને આ નાયિકા બે એવા અંગાંગિભાવ વડે મિશ્ર થયાં છે કે એકની સ્તુતિ કરતાં ઉભયની થાય છે. રાસભવનમાં લોક તને માનપૂર્વક રસ્તો આપે છે; અને જ્યારે કેવલ પ્રેમોન્માદના આવેશમાં તું તારી પ્રિય સરંગીને તારા ચપલ હાથમાં લાડ લડાવતો બૂમો પડાવે છે, રડાવે છે, ક્રોધિત કરે છે, કે ચીડવે છે ત્યારે પણ, હવે કોઇ તારો તિરસ્કાર કરતું નથી, કે તારા તરફ સોપહાસ દૃષ્ટિએ જોતું નથી. આ વખતેજ તેમના સમજવામાં આવ્યું છે કે ખરી અને અક્કલનો ખેલ કેવો અનિયમિત અને તરંગી હોય છે. ચન્દ્રબિંબમાં જે કલંકરૂપ ખોડખાંપણો છે તેજ સર્વની દૃષ્ટિએ ચંદ્રપ્રભાનું તેજ દીપાવે છે. કવિરાજ ! જો તારા શાન્ત હૃદયમાં ઇર્ષ્યાનો અંશ પ્રવેશ કરી શકતો હોય, તો હાલ તારાં કાવ્ય દૂર થયાં છે ને તેને બદલે, જે લક્ષ્મીપ્રભવનું કાવ્ય સાંભળી તું શંકાથી મસ્તક ધૂણાવતો, તેનીજ ઉપર લોક ગાંડા બની ગયા છે ! પણ દીર્ઘકાલ થયાં કીર્તિના અમર સ્ત્રાવમાં ઠંડા થયેલા વરદાયીને ખબર છે કે નવાનો પણ વખત આવવોજ જોઇએ; તેથી ફરી અમર થઈ ગયેલું જૂનું થોડુંજ નિર્મૂલ થઈ જવાનું છે.