પૃષ્ઠ:Gulabsinh.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭
પ્રિયતમે બતાવેલું વૃક્ષ.

માથે પડ્યો ! તે સમયનાં દુઃખ, વિકાર, વિષમતા ! પણ તેનું બ્યાન કરી વાંચનારને દુઃખ કરવા કરતાં જલદી વાત આગળ ચલાવવી ઠીક છે — પ્રથમ તો સરદારની પત્ની મરણ પામી.

એક દિવસ સરદાર સાંજ પહેલાં, જે ત્રિદોષમાં પડેલો હતો તેમાંથી જરા શુદ્ધિ આવી જાગી ઉઠ્યો, અને ચોતરફ પોતાની ભ્રમિત દૃષ્ટિ ફેરવી જોતાં રમાને જોઈ જરા આનંદ પામ્યો. ઉભો થઇને હાથ લાંબો કરતાં તેણે રમાનું નામ જેમ તેમ લેઈ તેને બોલાવી. રમા તુરતજ બાપને કોટી કરી પડી અને પોતાની આંખમાંનાં આંસુ જેમ તેમ ખાળી શકી !

“તારી મા, છોકરી ! ક્યાં છે ? ઉંઘે છે ?”

“ઉંઘે છે, હા ઉંઘેજ છે ”—એમ કહેતાં રમાની આંખમાંથી આંસુ બહાર ઢળી આવ્યાં.

“હું સમજ્યો —હા– પણ હું જાણતો નથી કે શું સમજ્યો. પણ શા માટે રૂવે છે.— હું હવણાંજ સારો થઇશ — બીલકુલ સારો થઇશ. જાગશે ત્યારે એ મારી પાસે જરૂર આવશે — આવશેજ; નહિ ?”

રમા કાંઇ ઉત્તર આપી શકી નહિ, પણ સન્નિપાત મટતાંજ વૈદ્યે આપવા કહેલી દવા કહાડવા લાગી. વૈદ્યે વળી એમ પણ કહેલું હતું કે આવો જરૂરનો ફેરફાર જણાઈ આવે કે તુરત મને બોલાવજો, આટલા માટે રમા બારણા આગળ જઈને જે નવી દાસી રાખેલી હતી તેને બોલાવવા લાગી. પણ જવાબ કોણ આપે ! રમા ઓરડે ઓરડે જોઈ વળી પણ કોઇ મળ્યું નહિ — આ દાસી પણ અસલની દાસી પાસેથી વાત સમજીને ભાગી ગઈ હતી. ત્યારે હવે કરવું શું ? કામ પૂરી ઉતાવળનુ છે, વૈઘે કહેલું છે કે મને બોલાવતાં જરા પણ વાર કરવી નહિ — રમાએજ પોતાના પિતાને મૂકીને જવું જોઇએ — પોતેજ જવું જોઇએ ! ઓરડામાં ધીમેથી પાછી ગઇ. તો દવાની અસર થવાથી દરદીની આંખ સહજ મળેલી એને જણાઈ. ધીમે રહીને ત્યાંથી નીકળી ચાલી અને માથા ઉપર બુરખો નાખી ઘરમાંથી ચાલતી થઈ.

ખરી વાત એમ હતી કે દવાએ ધારવામાં આવી તેવી અસર કરી ન હતી. સુખરૂ૫ નિદ્રાને બદલે એથી જરા ખુમારી આવી ગઈ હતી, જેને લીધે સ્વાભાવિક રીતે જ ચંચલ મનોવૃત્તિ પોતાનાં પરિચિત સ્થલોમાં ભટકવા લાગી, પૂર્વના સંસ્કારની જાગૃતિથી તે તે વિષયના ને વૃત્તિઓના સ્મરણમાં લીન