પૃષ્ઠ:Gulabsinh.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯
પ્રિયતમે બતાવેલું વૃક્ષ.

રહી છું, તેનું પણ હવે આવી બન્યું લાગે છે, જાઓ જાઓ, મારા મેહેરબાન ! જાઓ, ને પાછા સુઈ રહો.”

ચિંતાતુર ગવૈયો આ સાંભળી એક ક્ષણમાત્ર સ્તબ્ધ થઈ સ્થિર થઈ ગયો. પણ તુરતજ એનું આખું શરીર કંપવા લાગ્યું, અને પાછો ફરી, આવ્યો હતો તેમજ ચુપકીથી ભૂતની પેઠે ચાલ્યો. જે ખંડમાં બેશીને કાવ્ય રચતાં પોતાના આત્માને, પોતાની પ્રિયા તેના શાન્ત અને મધુર સ્વભાવની ધીમાશથી જેને આખું ગામ તિરસ્કાર કરતું તેને વખાણી અભિનંદન આપતી તે ખંડમાં આવી પહોંચ્યો. કીર્તિ અને વિજ્યના પ્રમોદની રાત્રીએ તેણે પોતાને માથે પુષ્પનો જે મુકુટ પહેરાવેલો તે એક ખુણામાં પડેલો હતો, ને તેની પાસેજ પોતાનું પ્રિય વાદિત્ર પણ રજુ હતું.

રમાને ઝાઝી વાર થઈ નહિ, વૈદ્ય મળવાથી તેને લેઈને ઝટ પાછી વળી; અને જેવાં તે બન્ને ઘરના ઉમરા આગળ આવી પહોંચ્યાં કે તેમને કાને અંદરથી હૃદય ભેદી નાખે એવા શોકના સ્વરનું ગાન આવવા લાગ્યું. એ ગાન, માણસને હાથે કરીને જડ વાદિત્રથી ઉઠે છે તેવું ન હતું, પણ વૈતરણીની આ તરફ રહી કોઈ એકલો પડેલો દુઃખી પ્રેત મહાશોક અને દુઃખના તીવ્ર આવશમાં સામે કીનારે જણાતા ધર્મપુરને પોકારતો હોય તેવું હતું. રમા અને વૈદ્ય એક એક તરફ ભયભરી નજરે જોવા લાગ્યાં; ઝટ ઘરમાં પેશી, સરદાર હતો ત્યાં ગયાં. સરદારે તેમના તરફ નજર કરી. પણ તે દૃષ્ટિમાંનાજ પ્રેતરૂ૫ તેજથી તથા આ કરડાટથી બન્ને પાછાં પડી ગયાં. કાળો ઝભ્ભો, ને પુષ્પનો મુકુટ પણ એની પાસે પડેલાંજ હતાં. રમા તુરતજ સમજી ગઈ ને પાધરીજ ઘુંટણીએ પડી એ બધાંને વળગી પડીને બોલી “પ્રિય પિતા ! હું હજી તમારીજ છું.”

શોકનો પોકાર ધીમો પડ્યો, સ્વર બદલાયો, કાંઈક મનુષ્ય બુદ્ધિથી પિતૃત્વના ધર્મે અને કાંઈક રસિક બુદ્ધિથી સહૃદયત્વના આનંદે, એ શોક અદ્યાપિ પણ ગાનરૂપ છતાં હળવે હળવે વધારે વધારે મધુરતા પકડતો ચાલ્યો. હાથમાંથી કોયલ ઉડી ગઈ — ધીમેથી, વાયુરૂપે, પક્ષીની પેઠેજ — થોડી વાર મધુર રાગ રહ્યો અને પછી વિરામ પામી ગયો, સરંગી હાથમાંથી પડી ગઈ ને તાર તૂટી ગયા. ગવૈયો પગે પડેલા બાલકને તે પછી જમીન પર પડેલા વાદિત્રને જોવા લાગ્યો…… “મને પણ એની પાસેજ બાળજો” ઘણા શાન્ત તથા ડૂબતા સ્વરે બોલ્યો “અને આને મારી પાસે.”