પૃષ્ઠ:Gulabsinh.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રસ્તાવના.

“જૂનાં પુસ્તકો વેચનારની દુકાનમાં ફરવાનો મને શોખ હતો. રોસિક્રુશીઅનો વિષે કાંઈક જાણવાની જિજ્ઞાસાથી હું એવી દુકાનમાં ગયો. ત્યાં એક અતિ ભવ્ય આકૃતિવાળા વૃદ્ધ પુરૂષને મેં જોયો પુસ્તક વેચનાર પોતે પણ જૂના લેખોનો અભ્યાસી અને પોતાના સંગ્રહમાંથી વેચવું પડે તો કાંઇક કંટાળો દર્શાવી દુઃખે વેચે તેવી પ્રકૃતિનો માણસ હતો. તેને મેં પૂછ્યું કે રોસીક્રુશીઅનો વિષે તમારી યાદીમાં કોઇ ગ્રંથ જણાતો નથી. તુરતજ પેલા ભવ્ય આકૃતિવાળા વૃદ્ધે મારી સામું જોયું અને કહ્યું ‘ રોસીક્રુશીઅન : રોસીક્રુશીઅન હોય તે રોસીક્રુશીઅન વિષે કહી શકે; પુસ્તકોમાંથી શું મળી શકે ?’ ‘ત્યારે’ મેં કહ્યું ‘પુસ્તકો વિના બીજે ક્યાંથી જાણી શકાય ? આ જમાનામાં કાંઈ કહેવું, લખવું, છપાવવું, તે પુસ્તક અને પૃષ્ઠનો આધાર આપ્યા વિના તો લોકના વિશ્વાસને પાત્ર થતું નથી, ત્યાં તમે પુસ્તક વિનાની વિદ્યા ઉપર શ્રદ્ધા કેમ કરાવી શકો ? આ ઝમાનો તો હકીકત અને પૂરાવાનો ઝમાનો છે.’ પેલા વૃદ્ધે કહ્યું ‘આપણે ફરી મળીશું ત્યારે હું તમને પૂરાવો બતાવીશ.’ આ પ્રસંગે પછી પુનઃ એક વાર અકસ્માત મળવું થયું, ત્યારે જે વાતચીત થઈ તેથી પ્રસન્ન થઈ વૃદ્ધ મને પોતાને ઘેર તેડી ગયો, ને પ્રસંગે રોસીક્રુશીઅનો વિષે તેણે કેટલીક વાતચીત કરી, પણ તેમાંથી પુસ્તકમાં મૂકી શકાય તેવું કાંઈ મળ્યું નહિ. આ સમયથી મારે તે મહાત્મા સાથે બહુ પરિચય થયો : એ ખરેખરો મહાત્માજ હતો, અને એણે મને ઘણી ઘણી વાતો સમજાવી. એ મરી ગયો ત્યારે એણે મને કેટલાક પૈસા અને એક લેખ બક્ષિસમાં આપ્યાં હતાં તે મને મળ્યાં, એક પ્રસંગે મારે તેની સાથે એક વાર્તા લખવા સંબંધી વાત થઈ હતી, ને તે સમયે તેણે રચેલી એક વાતને પ્રસિદ્ધ કરવાનું મે વચન આપ્યું હતું. એ વચનને ઉદ્દેશીને આ લેખ એ મહાત્માએ મારી પાસે મોકલ્યો હતો. બહુ હર્ષથી હું, દીવાને સંકોરી, લેખ ઉઘાડવા ગયો તો ચિત્રામણ જેવા ન સમજાય તેવા અક્ષરોથી લખેલાં એક હજાર પૃષ્ઠ જોઈ મને ભય લાગી ગયું, મત્ર, જંત્ર, કે જાદુનો વહેમ આવ્યો. અને જાણે મને કાંઈક થઈ ગયું. કાગળોનો ગોળો વાળીને ટેબલમાં હડસેલી મૂકવાનું કરતા હતા તેવામાં એક સુંદર પુસ્તક નજરે પડ્યું, તેમાં એ અક્ષરોને સમજવાની કૂચી હતી. એ કૂચીને આધારે બે ચાર વર્ષ મહેનત કરી એ આખો લેખ મેં બેસાર્યો. તે આ વાર્તા છે. અથાગ શ્રમ કર્યા છતાં ખરેખરોજ અર્થ મારા સમજવામાં આવે છે એમ હું કહી શકતો નથી. રે વાચક ! આ વાર્તામાં તને રુચતું આવે એવું કાંઈ જડે તો તે ખરેખર મારું પોતાનું ઉમેરેલું છે એમ