પૃષ્ઠ:Gulabsinh.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧
પ્રિયતમે બતાવેલું વૃક્ષ.

તેવું કાંઇ નથી જડતું, ત્યારે જે વિચારોથી મૂલ દુઃખ થતું હતું, તેજ પાછા અંગીકાર કરવાનું મન તને નથી થતું ? અસલનો પ્રેમસંસ્કારથી અભિષિક્ત મંડપ–પારકાને સોંપવામાં તને પાપ જેવું નથી લાગતું ? જ્યાં તારા પૂર્વજોએ દિવસ ગુજારી તને આશિર્વાદ આપી ઉછેર્યો તેને તજી જવામાં તને અંતઃકરણથીજ બળતરા થઈ આવે છે. આપણા લોક જે માને છે, કે મરનાર મનુષ્ય જે ઘરનો હોય, તે ઘરમાં રક્ષકરૂપે રહે છે, તે બહુ રીતે વાસ્તવિક અને સંતોષકારક છે. કોનું અંતઃકરણ છેક એવું બુઠું હશે કે જેને આવી લાગણી નહિ થતી હોય ? પોતાના પિતાની જોડે નિકટ સંબંધ ધરાવનાર એક કુટુંબે, રમાને પોતાની સાથે રહેવાનું કહ્યું. તે પ્રથમ તો પોતાની દુઃખી અવસ્થામાં તેણે સ્વીકાર્યું; પણ આપણા અંતર્‌ને જે શોક બાળતો હોય, તેનાથી કેવલ અપરિચિત તથા તેમાં ભાગ ન લેનાર એવા કોઇ ત્રાહિતનો સમાગમ ખરા દિલના કારી ઘાને કેવો નડે છે ! આવામાં પણ માબાપ, છોકરાં, છૈયાંની વાતો સાંભળવી–એક એક સાથે પ્રેમમોદ કરતાં કુટુંબીઓને જોવાં–જાણે કોઇને કાંઈ આવી પડીજ નથી એમ બેદરકારીથી મોજ કરતા લોકને જોવા–અને અરે ! ઈશ્વરે મોત તે મારા એકલાનેજ ઘેર મોકલ્યું કે શું એવો ખેદ સવિશેષ પામવો–એ કેમ વેઠાય ! દુનીયાંદારીની રીતિ પ્રમાણે લોક દિલાસો આપવા આવે છે, પણ સામાનું દુઃખ ન સમજતાં પોતાનાં તેજ પ્રકારનાં સુખ તેની દૃષ્ટિએ નિઃશંક થઈ ધરે છે, તેમાં શી મોહોટી ભૂલ કરે છે, તે તેઓ સમજતા નથી. गत जानहिगो दरदी दरदीकी; બાકી તો બીજાને શી પડી હોય ? પણ આવા સમાગમ કરતાં ભલી બીચારી તેજ એકાંત ભૂમિ, જ્યાં પ્રેમભક્તિના પરાક્રમનો અંત આવ્યો છે, ને જ્યાં અગણિત નાના મોહોટા સ્મારક પ્રસંગોથી હૃદયનો મીઠો પ્રવાહ ચાલુ રહેવાનો સંભવ છે. એ સ્થલનેજ છેવટે જીભ આવે છે, તેજ પ્રબોધે છે. તેથીજ અંતે પ્રેમભક્તિમાં શાંતિ મળે છે. જા બાપુ ! જા રમા ! તારે ઘેર જા. સ્મશાન પોતે પણ સુખમાં મસ્ત થયેલા લોકની બેદરકાર મંડલી સમાન દુઃખ આપતું નથી–ઘેર જઈ બારીમાં બેશી,-અથવા ઘર બહાર રહી તું પેલા વૃક્ષને જો–તારાજ જેવુંજ નોધારૂં, પથ્થરમાંથી ફૂટી નીકળેલું, પણ પરમજ્યોતિ તરફ જોર ભર્યું ધસતું !– એજ રીતે ગમે તેવું દુઃખ આવી પડે. પણ જ્યાં સુધી જોબનનું જોર કાયમ છે, ત્યાં સુધી માણસની અંતર્વૃત્તિ ચાલુ રહે છે. જ્યારે અંદરનો રસ સૂકાઇ જાય અને કાલે કરી ગાત્ર શિથિલ થઈ જાય, ત્યારે તો માણસને તેમ ઝાડને હજારો સૂર્યનું તેજ પણ નકામુંજ છે !