પૃષ્ઠ:Gulabsinh.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫
નવો આશક.

અને અનિર્વચનીય વૃત્તિ આપણાં અગેઅંગને ભયથી ટાઢાં કરી નાખે છે; આપણી નાડીઓ ચાલતી બંધ પાડી દે છે, અને આપણા હૃદયનો ધબકારો પણ પૂરો સાંભળવા દેતી નથી; શરીર ધ્રુજવા મંડે છે, રૂઆં ઉભાં થઈ જાય છે, જ્યાં જોઈ રહ્યા હોઈએ ત્યાંથી દૃષ્ટિ ઉઠાવતાં અથવા ઓરડાના અંધારા ખુણા ખોચરામાં નજર કરતાં દીલ ડરે છે; અને કોઇક અમાનુષી સત્તા આપણી આગળ ખડી છે એવી ભયકર કલ્પના થયાં કરે છે. એકજ ક્ષણમાં આ બધી મોહિની લુપ્ત થઈ જાય છે, અને આપણને આપણી નામરદાઈ ઉપર તિરસ્કાર આવે છે. આ જે ભાગુંટુટું વર્ણન હું કરી ગયો તેનો અનુભવ તમને નથી થયો શું ? જો થયો હોય તો તમે સહજમાં સમજી શકશો કે આ આપણા મિત્રને આ આનંદને પ્રસંગે પણ શું થઈ આવ્યું હતું.”

“મારા મેહેરબાન !” લાલાએ ઘણાં આશ્ચર્યસહિત કહ્યું “મારા મનમાં જે થથરાટ પેશી ગયો હતો તેનું તમે યથાર્થ વણન કર્યું છે, પણ મને નવાઇ એ લાગે છે કે મારી સહજ ચેષ્ટા ઉપરથી તમે મારા અંતર્‌નો ભાવ આટલી સૂક્ષ્મ રીતે કેમ સમજી શક્યા ?”

પેલા અજાણ્યા માણસે ગંભીરતાથી જવાબ દીધો “માણસના શરીરમાં જ્યારે કાંઇ પ્રવેશ કરે છે ત્યારે હું સમજી શકું છું, મને જે અનુભવ છે તેવા અનુભવવાળા કદાપિ પણ આ વાતમાં ચૂક કરે નહિ.”

લાલાનો દેશી ભાઈ રામલાલ જે પૂર્વે બોલ્યો હતો તે કહેવા લાગ્યો કે “ભાઈ આપણા લોક તો એમ કહે છે કે આવું થાય ત્યારે કાંઇ વળગાડ જાણવો !”

“દેશેદેશમાં આ સાધારણ વાતના જુદીજુદી રીતિના ખુલાસા માલુમ પડે છે,” પેલો અજાણ્યો ગૃહસ્થ બોલ્યો “આરબો માં કેટલાક એમ માને છે કે એવી વેળાએ આપણા અથવા કોઇ નિકટ સ્નેહીના મરણનો કાલ ઈશ્વર નક્કી કરવા બેઠો છે. હબશી લોકમાં વળી એમ મનાય છે કે એ વખત તો યમના દૂત આવીને આપણી ચોટલી પકડી ખેંચે છે. આમ બધે આવી વાતનો કાંઇ વિલક્ષણ અથવા ભયંકર ખુલાસો સર્વ લોક આપે છે.”

આ સાંભળી દીલ્હીનો એક ઉગતો જવાન બોલી ઉઠ્યો કે “એમાં તે શું મહોટી મહોટી ગપ્પો મારો છો, શરીરમાં કાંઈ વિકાર થઇ આવે તો એમ પણ લાગે !”