પૃષ્ઠ:Gulabsinh.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
ગુલાબસિંહ.


એને પીછાન તો આગળથી થયેલું હતું, એટલે એણે મારો હાથ પકડીને કહ્યું હમીર ! તમે ઘણું હારી ગયા એથી હું દિલગીર છું, મને તો રમવાની ટેવ નથી, પણ જો તમે આટલા પૈસા લેઇને મારે માટે રમો તો નુકશાન થાય તે મારે માથે ને નફો આપણે અર્ધો અર્ધ. હું પણ મને જીતનાર ઉપર વેર વાળવા તલપી રહેલો એટલે ગુલાબસિંહ પાસે નફો નુકસાન બન્ને અર્ધો અર્ધ કબુલાવી રમવા લાગ્યો. ગુલાબસિંહ મારી પાસે બેઠો ને મેં આંકવાનું શરૂ કર્યું. હું તો એકી સરતે જીતવા જ લાગ્યો ને આખરે સર્વેનાં ખિસ્સાં ખાલી કરાવી ઉભો થયો, રમનારમાંનો એક જણ ગુલાબસિંહ ઉપર કરડી નજર કરીને, એણે કાંઈ દગો કર્યાથી હું જીત્યો, એવું ધારી તકરાર કરવા લાગ્યો. ગુલાબસિંહ શી અજબ તરહની ધીરજ રાખી રહ્યાં છે ! એક અક્ષર પણ બોલ્યો નહિ, ફક્ત એટલું જ કહ્યું કે ગમે તે લાભ થાય તો પણ હું એવું કરૂં તેવો માણસ નથી, અને દિલગીર છું કે રમવામાં એકના ખોયા વગર બીજો જીતી શકતો નથી. આ સાંભળી પેલો ઘણો ઉકળવા લાગ્યો ને હાથ પગ ઉછાળતો ગુલાબસિંહની સામે જઈ ઉભો. ગુલાબસિંહે બીજું કાંઈ ન કરતાં એના તરફ એવી દૃષ્ટિ કરી કે તેથી પાધરો બકરી જેવો થઇને પોતાની જગો ઉપર બેશી ગયો. ગુલાબસિંહ જોડે ન ફાવ્યું ત્યારે મને બાઝ્યો, ને આખરે મારામારી થતાં તરવારો પણ નીકળવાનો વખત આવ્યો. એ માણસને મેં તરવારનો કારી ઝખમ કર્યો, ને તેથી એ મુવો. તે પહેલાં ગુલાબસિંહે મને કહ્યું કે એ જાતનો મુસલમાન છે, એને પૂછી જુઓ કે એને એના બાપની નજીક દટાવું છે કે બીજે કહીં, મેં પેલાને જઇને આ પ્રમાણે પૂછ્યું, એના બાપનું નામ સાંભળતાં જ એણે ચીસ પાડી અને લોહીને મહોટો કોગળો ઓકીને તે મરણ પામ્યો. એને એના બાપની ભેગો દાટવા લેઈ ગયા, ને ત્યાં એના બાપની લાસ કાઢી જોતાં માથાની ખોપરીમાં એક ઝીણો લોઢાનો તાર ભોંકી દીધેલો જણાયો. ગુલાબસિંહે આ બધું ક્યાંથી જાણ્યું હશે તથા આ તારની મતલબ શી હશે તે મેં એને પૂછ્યું, પણ એણે તો ફક્ત એટલુંજ કહ્યું કે એ માણસે ગયે વર્ષે એના બાપને માથામાં વિષવાળો ઝીણો તાર ખોશી મારી નાખેલો ને તે વાત કોઇના જાણવામાં આવેલી નહિ. હું એક દિવસ કબરસ્તાનમાં કબરો વાળાનાં નામ સહજ પૂછતો હતો ત્યારે મને કોઈ ચાકર્‌ જેવાએ આ ખબર કહેલી. તમારો રમનાર સોબતી એ મરનારનોજ દીકરો થાય એ પણ રમતમાં મેં તેનું નામ સાંભળેલું તે પરથી ધારી લીધેલું.”