પૃષ્ઠ:Gulabsinh.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
ગુલાબસિંહ.

પ્રકરણ ૨ જું.

પ્રેમની તાણાતાણ.

જવાન લાલા પાસે દોલત હતી; ઘણી નહિ, પણ કોઇના એશીઆળા થયા સિવાય આનંદમાં રહી શકાય તેટલી તો ખરી, એનાં માબાપ ગુજરી ગયાં હતાં અને એનાં સગાંમાં પોતાનાથી ઘણી નહાની એક બહેન હતી; તેને જયપુરમાં પોતાની કાકીને સોંપેલી હતી. નાનપણથી જ લાલાને ચિત્રકલાનો ઘણો શોખ હતો. આમાં એણે કેવલ શોખની ખાતર પણ કેટલીક માહિતી સારી મેળવી હતી. લાલાજી ઘણો બુદ્ધિશાલી છે એમ એના મિત્રો ધારતા, તેમ તે ઘણો ઉતાવળીઓ અને ઝંપલાવી પડે તેવો છે એમ પણ સમજતા. એને કોઇ બાબત પર ટકીને મેહેનત કરવી પસંદ પડતી નહિ; અને એનું મન બીજ રોપવા કરતાં એકદમજ ફલ ખાઈ જવાની આશામાં વધારે ભમ્યાં કરતું. કારીગર અને એવા ધંધાદારીની સાધારણ પ્રકૃતિ પ્રમાણે એ પણ મોજ મઝા અને તોફાનમાં આનંદ માનતો, અને જે કાંઇ વાત પોતાની કલ્પનામાં ઉતરે અથવા પોતાના હૃદયને ગમતી આવે તે તરફ વગર વિચારે ઘૂમતો. પોતાને જે બાબતનો શોખ હતો તેમાં વિશેષ ચાતુરી મેળવવા માટે હિંદુસ્તાનમાં પ્રખ્યાત પ્રખ્યાત શેહેરોમાં એણે ખરા ઉમંગથી મુસાફરી કરી હતી. પણ સર્વ સ્થલે ચાતુરી કરતાં એની શોકીન પ્રકૃતિ વધારે પ્રબલ થઈ પડતી, અને નિર્જીવ ચિત્રના કાગળ ઉપરથી એની દૃષ્ટિ વારંવાર જીવતા નમુનાઓ તરફ ખેંચાઈ જતી, હિંમતવાન્, સાહસિક, મગરૂર, અસંતોષી તથા સર્વ વાતમાં માથું મારવા તૈયાર રહેનાર લાલો નિરંતર ગમે તેવા અનિયમિત તરંગ ઉડાવ્યાં કરતો, અને મનમાં જેવી કલ્પના થાય તેવી પ્રવૃત્તિ કરતાં પણ પાછો હઠતો નહિ.

આ સમયે મુસલમાન લોકનાં ટોળાં વાયવ્ય દિશા તરફથી હિંદુસ્તાનની રસાલ ભૂમિ ઉપર તૂટી પડવા સારું વરૂની પેઠે ટાંપી રહ્યાં હતાં, તેથી આખા દેશમાં ભય અને ઉદ્વેગ દાખલ થઈ બધે અસ્વસ્થતા પ્રસરી રહી હતી. આવા પ્રસંગોમાં વિવિધ પ્રકારની સાચી જૂઠી કલ્પિત વાતો ચાલી રહે છે, ને કોઈના અકસ્માત્ બચાવની તો કોઈના મહા દુર્ધર્ષ પરાક્રમની કથાઓ