પૃષ્ઠ:Gulabsinh.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧
પ્રેમની તાણાતાણ.

કાને કાને ફરે છે. ભૂત, પ્રેત, મંત્ર, જંત્ર, જે જે માણસની કલ્પના સ્વરક્ષણાર્થે ખડું કરી શકે, તે સર્વે છૂટથી ચારે તરફ ઘૂમવા મડે છે ને નિર્બલ મનના માણસો ડરી ડરીને હેરાન થઈ જાય છે. લાલાએ પણ પોતાની મુસાફરીમાં ફરતે આવી હજારો વાત સાંભળેલી હતી, તેથી એનું મન ગુલાબસિંહ જેવા અકલ માણસે પોતાની ઉપર જે અસર કરી હતી તે અસર પામવાને તૈયાર થઈ રહેલું હતું. લાલાના આવા ભોળા સ્વભાવનું કારણ બીજું પણ કલ્પી શકાતું હતું. એના મોસાળ પક્ષનો કોઈ વડો મહા તવજ્ઞાની તથા કીમીયો વગેરે જાણનાર તાન્ત્રિક તરીકે પ્રસિદ્ધિ પામ્યો હતો; અને તેના વિષે તરહવાર વાતો ચાલતી હતી. એમ માનવામાં આવતું હતું કે માણસના સાધારણ આયુષ્ય કરતાં એ વિશેષ જીવ્યો હતો અને છેક મરતા સુધી કેવલ જવાન જણાતો હતો. આ યોગીના રચેલા ગ્રંથ દુર્લભ છતાં પણ લાલાના ઘરમાં મોજુદ છે, એમ કહેવાતું હતું, તેમાંની યોગની તથા સિદ્ધિની અને એવી જ બીજી વાતો વાંચી વાંચીને લાલાનું મન પલળી ગયું હતું. એનાં માબાપ, ચાલતા જમાનાનો સુધારો એના મનમાં આવા વિચાર દાખલ નહિ થવા દે એમ માની એના અભ્યાસમાં અડચણ ન કરતાં એટલું જ નહિ, પણ રાતે વાળું કર્યા પછી એની સાથે પોતાના પૂર્વજની વાત કરતાં; અને એની મા જ્યારે લાલાને કહેતી કે તું તારા દાદા જેવોજ થશે ત્યારે લાલાને ઘણી અસાધારણ ખુશી પેદા થતી.

લાલાને મોજ મઝા ઘણી પસંદ પડતી એ આપણે કહી ગયા છીએ. દીલ્હી શહેરની તમામ ગંમતો લાલો પેટ ભરીને ભોગવી રહ્યો હતો તેવામાં માના વદન તથા સ્વરની મોહિનીમાં એ સપડાઈ ગયો. પણ જેમ એનો શોખ અનિયમિત અને અસ્થિર હતો, તેમ એનો પ્રેમ પણ ધડા વગરનો હતો. એના આખા દિલમાં પ્રેમનું પુરું આવાહન થયું ન હતું, એનો આત્મા તન્મય બન્યો ન હતો; નહિ કે લાલાનામાં પ્રેમોત્પત્તિને અનુકૂલ ગુણ ન હતા, પણ તે ગુણ અદ્યાપિ પાકીને એટલે સુધી ગળ્યા ન હતા કે પ્રેમના ફૂટતા અંકુરને પુષ્ટિ આપવા તરફ હૃદયરૂપી જમીનના કસને વળવા દે. હજી હૃદયવાટિકમાંથી નિંદી નાખવા જેવું બહુ હતું. કલી આવવાની ઋતુ જુદી હોય છે અને ફૂલ આવવાની ઋતુ જુદી હોય છે, તેમ જ્યાં સુધી કલ્પનાની તરંગની કલીઓ ખરી નથી પડી ત્યાં સુધી, એ કલીઓ