પૃષ્ઠ:Gulabsinh.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રસ્તાવના.

આર્દ્ર થાય, સૌંદર્ય દેખીને જોવા ઉભો રહે, અન્યાય દેખીને જરા ટેકો કરવા જાય, અને જેનાથી કસોટીની પાર ઉતરાય નહિ તેવાને સાધનક્રમમાં પેસતાં ચેતવણી પણ આપે. મત્સ્યેન્દ્ર સાક્ષાત્ શાસ્ત્રનુંજ પ્રતિબિંબ છે. ગુલાબસિંહ કેવલ ભકિતરૂપ કલાની મૂર્તિ છે. શાસ્ત્ર અથવા જ્ઞાન અનેકને પોતાના પ્રદેશમાં ઉપાડી જવા યત્ન કરે છે, યત્ને યત્ને એક એક ભોગ લે છે, ને છેવટ કોઇ સાથે નહિ એવું એકલું અને એકાન્તવાસી થઈ રહે છે; કલા અથવા ભક્તિ સર્વમાં ભળે છે, અંદર આવીને બહાર કાઢી ઉપાડવા ઈચ્છે છે, ને એમ કરતાં કદાચિત્ પોતે પણ ક્લેશજ વહોરે છે. કલાને પોતાની ભાવના પ્રત્યક્ષ કરવા જતાં અનેક રાગદ્વેષની જાલમાં ગુંચવાવું પડે છે, અને ભાવિ ઉપર પણ છેવટ તેનો અખત્યાર રહેતો નથી.

ગુલાબસિંહ આવી પ્રકૃતિવાળો મહાત્મા હોઈ સહજ વ્યાયાસંગમાંથી વ્યવહારમાં લપટાઈ જાય છે. દિલ્હીમાં ફરતે ફરતે, સૌંદર્ય અને કાન્તિનો વિલાસી અભેદાનંદી મહાત્મા રમાની કીર્તિ સાંભળે છે અને રાસ જોવા જાય છે. ત્યાં જે કાન્તિ, જે લાલિત્ય, જે સૌંદર્ય નીહાળે છે તેથી વિલીન થઇ, રમાને સભાક્ષોભ થાય છે, તેજ સમયે, મહાત્માનું સહૃયત્વ તુરત જાગ્રત્ થાય છે, અને નેત્રના એક દૃષ્ટિપાતથી જ રંગભૂમિ ઉપર મૂર્છાવશ થવાની અણી પર આવેલી અબલાને પ્રોત્સાહન આપે છે. આટલામાંથીજ, કેવલ સહૃદયત્વના ગૂઢ સૂત્ર ઉપરજ, પ્રેમનો પ્રસાદ રચાય છે. ભરતે હરિણના બચ્ચાને ઉછેર્યું અને જે ફલને પામ્યા તેવી દશા ગુલાબસિંહની થાય છે. પણ મહાત્મા કોઈ પ્રેમના ક્ષણિક આવેશને વશ થતો નથી, ભાવિને જોઈ શકે છે; અગાધ અનંત જીવન ભોગવતો સર્વમય, સર્વવિહારી, મહાત્મા ક્યાં ? અને ચાર ભીંતો વચ્ચે પોતાના સામ્રાજ્યને સાચવી પોતાની પ્રેમમૃર્તિને પગે પડી રહેવામાં સંસારસુખની પરાકાષ્ટા માનતી પ્રાપંચિક બુદ્ધિથી અવિમુક્ત અબલા ક્યાં ! એટલાજ માટે રમાને ઉત્તેજન આપતો નથી, બીજાને પરણાવવાની અનેક યુક્તિઓ કરે છે, પણ રમાની આસપાસ વિટંબનાઓ વધતી જાય છે, ગુલાબસિંહનું એ એક અવશ્ય કર્તવ્ય થઈ પડે છે કે રમાને ઉગારવી; –અને કર્તવ્ય કરવામાંથી મહાત્મા કેમ પાછો હઠે ? મત્સ્યેન્દ્રે પણ સિદ્ધિને સંઘ વધારવો ધાર્યો નથી ? તો રમાને પરણી તેની પ્રજાને તેવા સંઘમાં ઉમેરો કરવા લઈ જવાશેજ, કદાચિત્ તે પુત્રદ્વારા તેની માતા પણ સિદ્ધિને પીછાનશે ! એ રીતે કર્તવ્યમાત્રને વશ થઈ મહાત્મા ૫ડ્યો; —પણ આવા અસમાન પ્રેમનું ઘરસૂત્ર ન ચાલી શક્યું. જે શંકા અને ભયથી નિર્દોષ પણ અનુભવહીન અને સાહસરહિત બુદ્ધિ