પૃષ્ઠ:Gulabsinh.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧
પ્રેમતૃપ્તિના અંકુર.

કરવા માટે તું ફરીથી દુનિયાનું મોઢું દેખત નહિ. એ જુલમગારનામાં દયાનો છાંટો પણ નથી. એનો હાથ ગમે તે કામ કરવા નિરંતર તૈયારજ છે. એવા ભયમાંથી મેં તેને બચાવી; પણ કદાપિ તું પૂછશે કે શા માટે ?” આટલું બોલી ગુલાબસિંહ જરા અટક્યો અને દિલગીરી ભરેલે ચેહેરે જરા હસીને કહેવા લાગ્યો “જે તારા પર જુલમ ગુજારનાર હતો તેના કરતાં તારા બચાવનારના વિચાર કાંઇ વધારે નિઃસ્વાર્થી નથી એમ ધારી અને તું દોષ ન ચઢાવતી. નિરાધાર બાલા ! તારા આશકો જે ભાષા બોલે છે તે હું આ વખતે બોલતો નથી; મને તારા આગળ તે આવડતી ૫ણ નથી. એટલુંજ તારે સમજવું બસ છે કે મારામાં દયાનો અંશ છે, અને તેથી કોઈની પણ પ્રીતિથી હું ઉપકૃત થાઊં છું. અરે ! શા માટે એ શબ્દ સાંભળી શરમાય છે, શા માટે કંપે છે ! હું બોલતે બોલતે પણ તારા મનમાં શું ચાલે છે તે સમજી શકું છું, અને જોઈ શકું છું, તેમાં તારે શરમાવા જેવું કાંઈ નથી. હું એમ નથી કહેવા માગતો કે તારા મનમાં હજી મારે માટે પ્રેમ પદા થયો છે, કેમકે હૃદયમાંની ખરી વૃત્તિ જાગ્રત્‌ થતા પહેલાં ઘણી વાર કલ્પનામાત્રજ તીવ્ર બની રહી હોય છે. પણ મારા દુર્ભાગ્યે મેં તારી આંખને મોહિની લગાડી છે, તારી કલ્પનાને કબજે કરી છે ! જે વાતથી તને દુઃખ સિવાય બીજું પ્રાપ્ત થનાર નથી તે વાતથી દૂર રહેવાની ચેતવણી એક વાર આપી હતી તેમ ફરીથી આપવા માટેજ હું તારા ઘરમાં આવ્યો છું. પેલો જયપુરવાસી લાલો તારા ઉપર સારો પ્રેમ રાખે છે, કદાપિ પણ મારાથી ન રાખી શકાય તેવો પ્રેમ રાખે છે. કદાપિ તે તારા પ્રેમને અદ્યાપિ પાત્ર નહિ થયો હોય, પણ જેમ જેમ તને વધારે ઓળખતો જશે તેમ તેમ સહજમાં થઈ શકશે. એની સાથે પરણીને તું સુખી થશે, તારી માના ગામમાં જઈ વસશે. મારું નામ પણ ભૂલી જા, એનો પ્રેમ સ્વીકારી સામે પ્રેમ બતાવવા તત્પર થા–એમ કરવાથીજ તું કીર્તિ પામી સુખી થશે.”

પોતાના મનમાં ખેદ અને શોકની જે વૃત્તિનું અવર્ણ્ય તોફાન ચાલતું હતું તે બહાર બતાવ્યા સિવાય, મોં ઉપર શેરડા પડતે પડતે મા આ વિલક્ષણ વ્યાખ્યાન સાંભળી રહી, અને જ્યારે તે પૂરું થયું ત્યારે બન્ને હાથે મોં ઢાંકી રોવા લાગી. જોકે આ શબ્દોથી અપમાન અથવા તિરસ્કાર, કે ક્રોધ અથવા શરમ, સાથેજ થઇ આવે તેમ હતું, તો પણ જે વિચારથી માની આંખોમાંથી આંસુની ધાર વહેતી હતી અને એનું હૃદય ધડકી રહ્યું હતું, તે